સતત 35 વર્ષથી જે બેઠક પર 'ભાજપનું રાજ' છે ત્યાં AAPએ લગાવ્યો દાવ, 26માંથી 26 જીતવાનું ગણિત બગડશે?

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
સતત 35 વર્ષથી જે બેઠક પર 'ભાજપનું રાજ' છે ત્યાં AAPએ લગાવ્યો દાવ, 26માંથી 26 જીતવાનું ગણિત બગડશે? 1 - image


Lok Sabha Elections 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ત્યારે દેશમાં કોંગ્રેસ, આપ, સમાજવાદી પાર્ટી સહિતની પાર્ટીઓએ મળીને 'I.N.D.I.A.' ગઠબંધન બનાવ્યું છે. જોકે તેમાંથી અનેક પાર્ટીઓએ અલગ રસ્તા અપનાવ્યા છે. પરંતુ કોંગ્રેસ અને આપ વચ્ચે હાલ બધું બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી, પંજાબ અને ગુજરાતમાં બેઠક વહેંચણીને લઈને સહમતિ બની હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક ભરૂચ અને ભાવનગર ફાળવવામાં આવી છે. ત્યારે ગુજરાતની ભરૂચ બેઠક જેના પર ભાજપ સતત 35 વર્ષથી રાજ કરી રહી છે, તેના પર આમ આદમી પાર્ટી દાવ લગાવવા જઈ રહી છે. ત્યારે જાણો આ ભરૂચ બેઠકનો ઈતિહાસ અને તેનું ગણિત...

ચૈતર વસાવા ભાજપનું 26માંથી 26 બેઠકો જીતવાનું ગણિત બગાડશે?

'I.N.D.I.A.' ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડવાના છે. હાલ, ચૈતર વસાવા ભરૂચ બેઠક પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આ બેઠક પર હરીફાઈ ખુબ રસપ્રદ બની શકે છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ છેલ્લી બે ટર્મથી 26માંથી 26 બેઠકો જીતતું આવે છે. પરંતુ ચૈતર વસાવાની લોકપ્રિયતા વધતા કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તેઓ ભાજપનું 26માંથી 26 ગણિત બગાડી શકે છે. તો કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે, આમ આદમી પાર્ટી ભાજપનું 26 સીટોનું ગણિત બગાડી શકે તેવી કોઈ જ શક્યતા લાગી નથી રહી.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ‘આપ’નો કર્યો વિરોધ

'I.N.D.I.A.' ગઠબંધનની ચર્ચાના કેન્દ્ર સ્થાને એક સમયે કોંગ્રેસનો ગઢ રહેલી ભરૂચ લોકસભા બેઠક હતી. ભરૂચ કોંગ્રેસના પૂર્વ સાંસદ અહમદ પટેલનું વતન છે. તેઓ અહીંથી ચૂંટણી લડ્યા હતા. અહમદ પટેલનું અવસાન થયા બાદ તેમનાં સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ મુખ્યધારાના રાજકારણમાં પ્રવેશ્યાં ત્યારથી જ ચર્ચા ચાલતી હતી કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહેમદ પટેલના પુત્ર અથવા પુત્રીને ટિકિટ આપશે. પરંતુ હવે આપ સાથે કોંગ્રેસના ગઠબંધનના કારણે બાજી પલટાઈ ગઈ. આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. જેને લઈને ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ નારાજ થયા હતા. તેમણે સીટ શેરિંગ પહેલા જ ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ ભરૂચ બેઠક માંગી હતી. પરંતુ કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી. ત્યારે હવે આ બેઠક પર શું પરિણામો આવે એતો સમય જ બતાવશે.

ચૈતર વસાવા અને તેની સાથે જોડાયેલા વિવાદો...

કોણ છે ચૈતર વસાવા? નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર દામજીભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. ચૈતર વસાવાએ તેમના રાજકારણની શરૂઆત છોટુ વસાવા સાથે કરી હતી. ચૈતર વસાવા ભરૂચ અને તેની આસપાસના વિસ્તારના લોકપ્રિય નેતા અને તેઓ આદિવાસી ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડાની બેઠક પર ચૈતર વસાવાએ ભાજપના હિતેશ દેવજીને હરાવ્યા હતા. ત્યારે ચૈતર વસાવાને 3637 મત અને હિતેશ દેવજીને 3097 મત અને કોંગ્રેસના જેરમાબેનને 525 મત મળ્યા હતા. તો તેમની પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 

શું છે વિવાદ? 14 ડિસેમ્બર 2023ના રોજ નર્મદા જિલ્લામાં વન અધિકારીઓ પાસેથી વસૂલી અને હુમલો કરવાના કથિત મામલામાં તેની ધરપકડ કરાઈ હતી. જો કે તેમને પક્ષમાંથી કહેવાયું હતું કે, તેઓ આદિવાસીની જંગલની જમીન પર ખેતી સાથે સંબંધિત મામલાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતા હતા. તેમજ તેના પર વન અધિકારીઓને ધમકી આપવાનો અને હવામાં ગોળીબારી કરવાનો આરોપ લાગ્યો હતો. તેમના વિરૂદ્ધ ફરિયાદ થતા તેઓ એક મહિનાથી પણ વધુ સમય સુધી ફરાર રહ્યા હતા. આ કેસમાં તેમના પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરવામાં હતી. જો કે બાદમાં બંનેને જામીન પર મુક્ત કરાયા હતા.

સતત બે વખતના સાંસદ અહેમદ પટેલને ભાજપ સામે 1989માં મળી હાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલ એક સમયે ભરૂચ બેઠક જીતીને કોંગ્રેસ નેતૃત્વની નજરમાં આવ્યા હતા. અહેમદ પટેલ વર્ષ 1977માં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા હતા. આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું ન હતું, તેવી સ્થિતિમાં અહેમદ પટેલે જીત મેળવી હતી. ત્યારબાદ અહેમદ પટેલ સતત બે વખત જીત્યા હતા. આમ તેઓ વર્ષ 1977થી 1989 સુધી સાંસદ રહ્યા હતા. તેઓ 1989ની ચૂંટણીમાં ભાજપે ચંદુભાઈ દેશમુખને અહેમદ પટેલની સામે ઉતાર્યા હતા, જેમાં અહેમદ પટેલની હાર થઈ અને ભાજપ ત્યારથી આ બેઠક પર જીતતું આવી રહ્યું છે. આમ વર્ષ 1989થી 2019 સુધી સતત 35 વર્ષ દરમિયાન ભાજપના સાંસદ રહ્યા હતા.

1957થી 1984 સુધી સતત 27 વર્ષ કોંગ્રેસનું રાજ

1957 ચંદ્રશંકર ભટ્ટ

1962 છોટુભાઈ પટેલ

1967 માનસિંહજી રાણા

1971 માનસિંહજી રાણા

1977 અહેમદ પટેલ

1980 અહેમદ પટેલ

1984 અહેમદ પટેલ

ભાજપના સૌથી મોટા આદિવાસી નેતા મનસુખ વસાવા એક પણ ચૂંટણી નથી હાર્યા

ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. ત્યારે મનસુખ વસાવા આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે અને ભાજપના વરિષ્ઠ નેતા પણ છે. તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. મનસુખ વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ બેઠક પર કબજો જમાવીને બેઠા છે. આમ, તેઓ સતત 27 વર્ષથી લોકસભા જીતતા આવી રહ્યા છે. મનસુખ વસાવા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજ્યની અનેક લોકસભા બેઠકો પર ઉમેદવાર બદલાયા છે, પરંતુ મનસુખ વસાવા સતત રિપીટ થયા છે. ભાજપમાંથી ચૂંટણી લડવાને કારણે તેમને છેલ્લી બે ચૂંટણીમાં 50 ટકાથી વધુ મત મળ્યા હતા. 2014ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસ ઉમેદવાર જયેશ પટેલને 1.53 લાખ મતથી હરાવ્યા હતા. તો 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 3.34 લાખ મતથી હરાવ્યા હતા. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તેમની કામગીરીને લઈને ચર્ચામાં રહેતા હોય છે. અનેકવાર તેઓ સરકારી અધિકારીઓને ખખડાવતા નજરે પડી ચૂક્યા છે.

1989થી 2019 સુધી સતત 35 વર્ષ ભાજપનું રાજ

1989 ચંદુભાઈ દેશમુખ

1991 ચંદુભાઈ દેશમુખ

1996 ચંદુભાઈ દેશમુખ

1998 ચંદુભાઈ દેશમુખ

1998 મનસુખ વસાવા

1999 મનસુખ વસાવા

2004 મનસુખ વસાવા

2009 મનસુખ વસાવા

2014 મનસુખ વસાવા

2019 મનસુખ વસાવા


ભરૂચ લોકસભા બેઠકનું ગણિત?

ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબજો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યા હતા. 

ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી

ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. ત્યારે બંને ઉમેદવારોએ આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરવી જ પડશે.

Google NewsGoogle News