ન.પા.ની ચૂંટણીઓમાં 'આપ'ના ભૂંડા હાલ, 14 ઉમેદવારની ડિપોઝીટ જપ્ત
- ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં 219 પૈકી 30 ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી
- સૌથી વધુ સિહોરની ચૂંટણીમાં ૨૦ ઉમેદવારને ડિપોઝીટ પરત મળવા પાત્ર પણ મત ન મળ્યાં, એકમાત્ર તળાજામાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત
ભાવનગર જિલ્લાની સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ત્રણેય નગરપાલિકાની ચૂંટણીમાં ૨૧૯ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. તે પૈકીના કુલ ૩૦ ઉમેદવારને મતદારોએ તેમની ડિપોઝીટ પરત મળે તેટલા પણ મત ન આપતા ડિપોઝીટની રકમ જપ્ત કરવામાં આવી હતી.
જેમાં સૌથી વધુ ભૂંડા હાલ 'આપ'ના થયા છે. જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત જ એન્ટ્રી મારવા ઉતરેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને દિલ્હીની ચૂંટણીનું પરિણામ નડયું હોય તેમ સિહોરમાં આપના એક સાથે ૧૨ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ હતી. જ્યારે તળાજામાં વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૨માં એક-એક મળી આપના બે ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ છે. ગારિયાધારમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ફાયદો આપને થયો હતો. અહીં ત્રણ બેઠક પણ મળી હતી અને સાથે એક પણ ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થઈ નથી. આ ઉપરાંત તળાજામાં અપક્ષના એક અને કોંગ્રેસના ચાર ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. ગારિયાધાર અને સિહોરમાં બસપાના ત્રણ-ત્રણ તેમજ સિહોરમાં અપક્ષના એક ઉમેદવારે પોતાની ડિપોઝીટ ગુમાવવી પડી હતી. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસને એકપણ નગરપાલિકામાં શાસન તો મળ્યં નથી. પરંતુ એકમાત્ર તળાજામાં કોંગ્રેસ માટે નીચાજોણું થાય તેમ ચાર ઉમેદવાર ડિપોઝીટ ગુમાવીને બેઠા છે.