I.N.D.I.A. ગઠબંધનને ઝટકો, ગુજરાતમાંથી AAPના બે ઉમેદવારના નામ જાહેર
ભરૂચ બેઠકના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત કરાઈ હતી
Lok Sabha Elections: ગુજરાતમાં I.N.D.I.A. ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારના નામ ફાઈનલ કરી દીધા છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે, ‘અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.’
આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. ચૈતર વસાવા તાજેતરમાં જ લાંબી લડત બાદ જેલમાંથી બહાર આવ્યા છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાનું નામ પણ અનેકવાર ભાજપ જવા અંગે ચર્ચાઈ ચૂક્યું છે. ત્યારે ઉમેશ મકવાણાનું જાહેરાત થતા તેમની પક્ષપલટાની વાતો પર વિરામ લાગી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A. ગઠબંધનને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની 13 લોકસભા બેઠક અને ચંદીગઢની એક લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી હતી.