વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ પક્ષ નહીં ઉતારે ઉમેદવાર, ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું
Vav Assembly By Election : ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી વાવ બેઠક પર પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહામુકાબલો થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 'અમે મતોનું વિભાજન ના થાય તે માટે અમારી પાર્ટી ઉમેદવાર જાહેર નહીં કરે.' જણાવી દઈએ કે, અગાઉ આપ નેતા દ્વારા વાવ બેઠક પર ચૂંટણી લડવાની વાત કરાઈ હતી. જોકે હજુ સુધી એકપણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે હવે વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. જે તે ઉમેદવારને સીધો મેન્ડેડ આપી દેવાશે.
આ બેઠક કોંગ્રેસની છે : ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, 'સ્થાનિક નેતાઓને લડવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે. પરંતુ આમ આદમી પાર્ટી લોકોના હિત માટે લડી રહી છે. કામની રાજનીતિ કરી રહી છે. વાવ વિધાનસભા બેઠક પર અમે પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો સાથે અમારી ખુબ પોઝિટિવ વાતચીત થઈ રહી છે. મને લાગે છે કે કાલ સુધીમાં સત્તાવાર જાહેરાત કરીશું. ભાજપ હારે તે જરૂરી છે. તો જ ભાજપ કંટ્રોલમાં આવે અને લોકોના કામ કરશે. આ બેઠક કોંગ્રેસની છે એવું અમે માનીએ છીએ.'
આપ-કોંગ્રેસ ગઠબંધનની કરશે જાહેરાત
વાવ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત કોન્ફરન્સ કરીને ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી શકે છે. પેટાચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાનું નિશ્ચિત છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પીછેહટ કરતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે.
અગાઉ આમ આદમી પાર્ટીએ પેટાચૂંટણી લડવાના આપ્યા હતા સંકેત
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી દર્શાવી હતી. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા ચાલી હતી. આપના પ્રદેશ નેતાએ જણાવ્યું હતું કે, 'લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે અમારું સંપૂર્ણ સમર્થન હતું. પરંતુ લોકસભા ચૂંટણી એ અલગ મુદ્દો અને કારણ હતું. તે સમયે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે એક થઈને લડવાની જરૂર હતી. દેશનો સવાલ હતો, લોકશાહી અને બંધારણ બચાવવાનો સવાલ હતો એટલે ચોક્કસપણે અમે કોંગ્રેસ સાથે હતા. જોકે, હવે રાજ્યની વાત આવતી હોય ત્યારે દરેક પાર્ટીની પોતાની રણનીતિ હોય છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. આ પેટાચૂંટણીમાં ગઠબંધનની વાત નથી. અમે એકલા હાથે વાવ વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.' જોકે, હવે આમ આદમી પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે.
કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. પરંતુ હજુ સુધી બંનેમાંથી એકપણ પક્ષે સત્તાવાર રીતે મૂરતિયાના નામની જાહેરાત કરી નથી. હાલ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ટોચ પર છે. ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન સાથેની નિકટતા ફળી છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે નામની જાહેરાત કરવાની બાકી છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. ઉમેદવારની જાહેરાત પહેલા જ ઠાકરશી રબારીએ પક્ષ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં વાવ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ઠાકરશી રબારી જાહેર સ્ટેજ પરથી કટાક્ષ કરતાં કહ્યું હતું કે, 'બનાસના બેન ગુલાબના બેન છે. રબારી સમાજને કોઇપણ પક્ષ કમજોર ન સમજે અને આ સમાજને કોઇની જરૂર ન પડે. ભગવાન મને અને મારા સમાજને શક્તિ આપે.'
આ પણ વાંચો: વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી
ત્યારે હવે ઠાકરશી રબારીના આ નિવેદન બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ક્યાંક ને ક્યાંક ઠાકરશી સહિત રબારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હોય એવું લાગી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ ઉમેદવારની પસંદગી કરવામાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જ્યારે ભાજપ ગત વિધાનસભા ચૂંટણીમાં હારેલા સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.
ગેનીબેન સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.
આ પણ વાંચો : ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; 'બનાસની બેન ગુલાબની બેન'
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.