Get The App

રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી જતાં ખાત્રજના યુવાનનું મોત, ૬ મુસાફરો ઘાયલ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી જતાં ખાત્રજના યુવાનનું મોત, ૬ મુસાફરો ઘાયલ 1 - image


મીઠાપુર પાસેના મોજપ ગામ નજીક

જામનગરના હાપામાં રમી રહેલી બાળકીને લોડરે કચડી નાખતાં મોત ઃ વાહને બાઇકને હડફેટે લેતાં મોટા વડાળાના ખેડૂતનું મોત

ખંભાળિયા, જામનગર :  મીઠાપુર પાસેનાં મોજપ ગામ નજીક રસ્તા પર ડિવાઇડર સાથે અથડાઇને રીક્ષા પલ્ટી ખાઇ જતા ખાત્રજ ગામના યુવાનનું મોત થયું હતું. અન્ય ૬ મુસાફરો ઘાયલ થયા હતાં. જ્યારે જામનગરના હાપામાં રમી રહેલી બાળકીનું લોડરના વ્હી નીચે કચડાઇ જતાં મોત  થયું છે. જ્યારે કાલાવડનાં મોટા વડાળા ગામના ખેડૂત બાઇક ઉપર જતા હતા ત્યારે વાહનની ટક્કરે મોત નિપજ્યું હતું.

મીઠાપુરથી આશરે ૧૦ કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર મુસાફરોને લઈને જઈ રહેલી એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાત્રજ ગામના રહીશ ગિરીશકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણ નામના ૨૬ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તાલુકાના નરેન્દ્રકુમાર જુવાનસિંહ ડાભી (ઉ.વ. ૨૩) તેમજ વિજયકુમાર અને દસક્રોઈ તાલુકાના પિયુષભાઈ ડાભી સહિતના છ મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ઠાકોર પિયુષભાઈ પ્રકાશભાઈ ડાભી (ઉ.વ. ૨૨) ની ફરિયાદ પરથી રીક્ષાના ચાલક ઈસ્માઈલભાઈ સામે ભારતીય ન્યાય સહિતા તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર નજીક હાપા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા મનીષભાઈ તોલિયાભાઈ ભાભોર નામના મધ્યપ્રદેશનાં પરપ્રાંતિય શ્રમિક યુવાનની દોઢ વર્ષની પુત્રી કારીબેન ઝુપડાની બહાર રમતી હતી. જે દરમિયાન લોડર મશીનના ચાલકે બાળકીને હડફેટેમાં લઇ કચડી નાખતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. લોડર મશીનના તોતીંગ વ્હીલની નીચે બાળકીનું ચગદાઇ જતાં ભારે કરૃણ દ્રશ્યો  સર્જાયા હતાં. બાળકીના પિતાએ લોડર ચાલક રાજુ નિનામા સામે ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં વિજયભાઇ છગનભાઈ મેનપરા નામનાં ૪૨ વર્ષનાં ખેડૂત યુવાન વાડીએથી બાઇકમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટમાં લઇ ઠોકરે ચડાવતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. 


Google NewsGoogle News