શાપરમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
શાપર અને રાજકોટ રહેતાં 4 આરોપીઓ સકંજામાં સમાધાનના બહાને આરોપીઓએ બોલાવી પહેલા ગડદાપાટુનો માર માર્યા બાદ છરી વડે હુમલો કર્યો
રાજકોટ, : શાપરમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા શહેજાદ યુસુફભાઈ હિંગોરા (ઉ.વ. 27)ની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવાઈ હતી. શાપર પોલીસે ગુનો નોંધી શાપર અને રાજકોટમાં રહેતાં ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ આગળ ધપાવી છે.
મૂળ રાજકોટના મવડી ચોકડી પાસેની સોમનાથ સોસાયટીના અને હાલ શાપરમાં ધરતી ગેઈટ અંદર આવેલા ઉર્જા ગેઈટમાં મહાદેવ સ્ક્રેપના નામે ભંગારનો ડેલો ધરાવતા સાગર ભીખુભાઈ સોલંકી (ઉ.વ. 30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો મોટોભાઈ ચેતન રાજકોટના કોઠારીયા વિસ્તારમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવે છે. માતા-પિતા મૂળ વતનમાં રહે છે. બે દિવસ પહેલાં શાપરમાં રહેતી તેના મામાની પુત્રી કિરણબેન અજયભાઈ વાવેશાને પાડોશમાં રહેતાં મુકેશ ધીરભાઈ માલકીયાની પત્ની સાથે સામાન્ય માથાકૂટ થઈ હતી. જેથી કિરણબેને તેને મુકેશને ઠપકો આપવા કહ્યું હતું.
પરિણામે તેણે મુકેશને કોલ કરતાં તેણે કહ્યું કે હાલ હું બહાર છું, બે દિવસ પછી આવું એટલે વાત કરશું. ગઈકાલે સાંજે તે મિત્રો મિલન સંજયભાઈ મકવાણા, શહેજાદ હિંગોરા, વિજય વિરમ ચૌહાણ સાથે શાપર મેઈન રોડ પર આવેલ તુષાર અને તેના ભાઈ મેહુલ બુધેલીયાની યંગ હેરસ્ટાઈલ નામની દુકાને બેઠો હતો. તે વખતે મુકેશે તેને કોલ કરી કહ્યું કે, હું શાપર રોડ પર છું, મામા દેવના મંદિર પાસે આવ એટલે આપણે સમાધાન બાબતે વાત કરીએ. જેને કારણે તે અન્ય તમામ મિત્રો સાથે મામા દેવના મંદિર પાસે પહોંચ્યો હતો. તે વખતે ત્યાં મુકેશ, તેનો સાળો દિલીપ ભરતભાઈ રાઠોડ, તેના મિત્રો મિલન રમેશભાઈ રાઠોડ અને રાજેશ ભનુભાઈ ડાભી હાજર હતા. આ ચારેય આરોપીઓ અર્ટીકા કારમાં ત્યાં આવ્યા હતા.
સ્થળ પર પહોંચ્યા બાદ મુકેશે તેને કહ્યું કે તારા મામાની દિકરી કેમ મારી પત્ની સાથે માથાકૂટ કરે છે. આટલું કહ્યા બાદ બોલાચાલી શર કરી દીધી હતી. તેની સાથે રહેલા ત્રણેય અન્ય આરોપીઓએ પણ ઝઘડો શર કર્યો હતો. જેથી તે અને તેના મિત્રો સમજાવવા જતાં આરોપીઓએ બેફામ ગાળો ભાંડી, ગડદાપાટુનો માર મારવાનું શર કર્યું હતું. અચાનક મુકેશના સાળા દિલીપે છરી કાઢી તેનો એક ઘા તેના જમણા પગમાં સાથળના ભાગે ઝીંકી દીધો હતો. તે વખતે તેનો મિત્ર શહેજાદ વચ્ચે પડતાં દિલીપે તેના વાંસાના અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ચારેય આરોપીઓ મારતા હોવાથી ડર લાગતા તે અને તેના મિત્રો સ્થળ પરથી ભાગ્યા હતા. તત્કાળ તેણે ૧૦૮ બોલાવી હતી. જેમાં રાજકોટ સિવીલમાં જઈ સારવાર લેતાં સાથળના ભાગે 15 ટાંકા લેવા પડયા હતા. બીજી તરફ શહેજાદ છરીના બે ઘા વાગતા નજીકના ખાડામાં જ લોહીલુહાણ હાલતમાં પટકાઈ ગયો હતો. જાણ થતાં તેનો ભાઈ અલ્તાફ ત્યાં દોડી આવ્યો હતો. જેણે તેને શાપરની સિવીલમાં ખસેડયો હતો. જયાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી, સકંજામાં લીધા હતા. આરોપી મુકેશ શાપર રહે છે. બાકીના ત્રણે આરોપીઓ રાજકોટમાં રહે છે.