જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં ફિનાઈલ પીવાનો વારો આવ્યો
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે, અને વ્યાજખોર ની રાક્ષસી વ્યાજ સાથેની પઠાણી ઉઘરાણીને લઈને આખરે ફીનાઇલ પી લેવાનો વારો આવ્યો છે. જોકે હાલ તેની તબિયત સુધારા પર હોવાથી રજા અપાઇ છે, જ્યારે પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ નાકા પાસે પઠાણફળીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા અક્રમ જાહિદભાઈ પઢિયાર નામના રીક્ષા ચાલક યુવાને ત્રણ દિવસ પહેલાં માંકડ- મચ્છર મારવાની દવા નું પ્રવાહી પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સૌપ્રથમ તેના પરિવારજનો દ્વારા વ્યાજખોરના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું જાહેર કરાયું હતું. ત્યારબાદ અકરમ પઢીયાર ભાનમાં આવતાં દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. વી.આર. ગામેતીએ જી.જી.હોસ્પિટલમાં પહોંચી જઈ તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતે જામનગરમાં વ્યાજખોર ની ચુંગાલમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું.
પોતાને આજથી બે વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત હોવાથી આરોપીર પાસેથી સાત લાખ રૂપિયા 7 ટકાના વ્યાજે લીધા હતા, જેનું દર મહિને વ્યાજ સહિત કુલ સાડા ચાર લાખ રૂપિયા ની રકમ બે વર્ષ દરમિયાન ચુકવી આપી હતી.
એટલું જ માત્ર નહીં અલગ અલગ દુકાનમાંથી કુલ પાંચ લાખ રૂપિયા નો કરિયાણા નો માલ સામાન પણ મેળવીને રીયાઝ કુરેશીને આપી દીધો હતો. આમ મળી કુલ 9.30 લાખ જેટલું ચૂકવણું કરી દીધું હોવા છતાં હજુ વધુ 15 લાખ રૂપિયા આપવા પડશે, તેવી માંગણી કરીને ધકધમકી અપાતાં વ્યાજખોર ના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી રિયાઝ કુરેશી સામે આઇપીસી કલમ 504 અને 506-1 તેમજ મની લેંડર્સ એક્ટની કલમ 5,39 40, અને 43 મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની શોધ ખોળ હાથ ધરી છે.