ઝમર ગામના પાટિયા પાસે બાઇકની અડફેટે રાહદારી યુવકનું મોત
- અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર
- યુવક રાત્રે ચાલીને જતો હતો ત્યારે પાછળથી બાઇકે અડફેટે લીધો હતો
સુરેન્દ્રનગર : ઝમર ગામના પાટિયા પાસે બાઇકની અડફેટેે રાહદારી યુવકનું મોત નિપજ્યું છે. યુવક રાત્રે ચાલીને જતો હતો ત્યારે પાછળથી બાઇકે અડફેટે લીધો હતો. પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક રામદીન રામપ્રસાદ નિશાદ રાત્રીના સમયે હાઈવે પર ચાલીને ઝમર ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે યુવકને અડફેટે લેતા માથાપર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કંપનીના કર્મચારીઓ, મૃતક યુવકના મિત્રો સહિતનાઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અંગેની જાણ લખતર પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતક યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે મૃતક યુવકના પરિવારજન સુરજભાઈ નિશાદે લખતર પોલીસ મથકે અજાણ્યા બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.