Get The App

ચ-૨ સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ ચાલક યુવાનનું મોત

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
ચ-૨ સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ ચાલક યુવાનનું મોત 1 - image


ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

ચાંદખેડાનો યુવાન મિત્રોને મળી પરત ઘરે જતો હતો તે દરમિયાન વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર

ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચ-૨સર્કલ થી ચ-૦ જતા માર્ગ ઉપર ગઈકાલે મોપેડ ઉપર જઈ રહેલા યુવાનને એડફટે લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ગાયેલ યુવાનનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના માર્ગો ઉપર હાલ હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત થયું છે જે ઘટના સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા ખાતે રહેતા અને સીઝનલ વેપાર કરતા રવિન્દ્રકુમાર શિવાભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર આલાપ અદાણી શાંતિગ્રામ ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પ્રાઇવેટ નોકરી કરતો હતો.ગઈકાલે આલાપ તેના મિત્રોને મળવા ગાંધીનગર જવાનું કહીને ઘરેથી મોપેડ લઈને નિકળ્યો હતો. જ્યારે રવિન્દ્રકુમાર અંગત કામે વાપી જવા માટે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠા હતા. તે વખતે કોઈકે ફોન કરીને જણાવ્યું હતું કે આલાપને અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો છે. જેથી રવિન્દ્રકુમાર ટ્રેનમાંથી ઉતરીને ગાંધીનગર સિવિલ આવવાં રવાના થયા હતા. દરમ્યાન રસ્તામાં જાણવા મળ્યું હતું કે આલાપને એપોલો હોસ્પિટલ લઈ જવાયો છે. જેથી તેઓ સીધા એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન આલાપને મૃત જાહેર કરાયો હતો. જ્યાં તેના મિત્રો થકી જાણવા મળ્યું કે ચ-૨ સર્કલથી ચ-૦ સર્કલ તરફ આલાપ જઈ રહ્યો હતો. એ વખતે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટયો હતો. જેથી હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ માર્ગ ઉપરના સીસીટીવી પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News