Get The App

સાદરા ગામે પત્ની સાથે જોઈ જતા યુવાનનો છરીથી મિત્રની હત્યાનો પ્રયાસ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
સાદરા ગામે પત્ની સાથે જોઈ જતા યુવાનનો છરીથી મિત્રની હત્યાનો પ્રયાસ 1 - image


બંને યુવાનો સાથે જ ડેરીમાં નોકરી કરતા

રાંધેજાનો યુવાન રીસામણે પિયરમાં ગયેલી મિત્રની પત્નીને મળવા સાદરા ગયો તે સમયે ઘટના બની : પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક સાદરામાં ગઈકાલે રાધેજાના યુવાન ઉપર સોનીપુર ગામના યુવાને છરીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને આ યુવાનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. જે સંદર્ભે હાલ યુવાનના ભાઈની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાન અક્ષય ભીખાભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે અને તેનો નાનો ભાઈ તુષાર મધર ડેરી ખાતે નોકરી કરે છે અને ગઈકાલે તે નોકરી પર હતો અને તેનો ભાઈ તુષાર ઇલેક્ટ્રીકનો સામાન લેવા માટે ગયો હતો તે દરમિયાન તુષારની મિત્ર જાગુનો ફોન તેની ઉપર આવ્યો હતો અને કહ્યું હતું કે તુષારને બચાવી લો અમે સાદરા જક્ષણી માતાના મંદિર નજીક છીએ અને રણજીત મારે છે તેવી વાત કરતા અક્ષય તુરંત જ તેના ભાઈને ફોન લગાડયો હતો પરંતુ જાગુએ ફોન ઉપાડયો હતો અને કહ્યું હતું કે મારો પતિ રણજીત માધાજી ઠાકોર તુષારને મારે છે. જેથી અક્ષય તેના અન્ય મિત્રો સાથે તુરંત જ કાર લઈને સાદરા જવા માટે નીકળ્યો હતો અને ચિલોડા સર્કલ પાસે પહોંચ્યા તે સમયે તુષારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોવાનું કહેતા તેઓ તુરંત સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તુષારના ગળાના ભાગે છરીના ઘા તેમજ પેટના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હતી બેભાન અવસ્થામાં રહેલા તુષારને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી રણજીતની પત્ની છેલ્લા છ મહિનાથી પિયર રીસામણે ગઈ હતી અને તે સમયે તુષાર તેને મળવા માટે સાદરા ગયો હતો ત્યારે આરોપીએ ફરીથી હુમલો કર્યો હતો. હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News