Get The App

મંદિરે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર ધોકાઓ વડે હુમલો : કારમાં તોડફોડ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
મંદિરે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર ધોકાઓ વડે હુમલો : કારમાં તોડફોડ 1 - image


ગાંધીનગર નજીક મોટી આદરજ ગામમાં

ઘાયલ યુવાન અને મિત્રને સારવાર માટે સિવિલ ખસેડાયા ઃ પેથાપુર પોલીસે સાત સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં ગઈકાલે મંદિરે દર્શન કરવા માટે ગયેલા યુવાન ઉપર અગાઉના ઝઘડાની અદાવત રાખીને ગામના યુવાનો દ્વારા ધોકાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના મિત્રને પણ માર મારી કારમાં તોડફોડ કરવામાં આવી હતી. જે સંદર્ભે પેથાપુર પોલીસ સાત લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં રહેતો અને ગાંધીનગરની કોલેજમાં અભ્યાસ કરતો યુવાન આલોક ગણપતજી ઠાકોર ગઈકાલે તેની કાર લઈને ગામમાં રહેતા તેના મિત્ર હેમંત સેધાજી ઠાકોર સાથે બીજ હોવાથી રામાપીરના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો અને તેની કાર મંદિર આગળ પાર્ક કરી હતી. દર્શન કરીને આલોક તેના મિત્ર સાથે પરત ફર્યોે હતો તે સમયે ગામમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે આશિક જીગાજી ઠાકોર, રણવીર દિલીપજી ઠાકોર,દશરથજી જગાજી ઠાકોર,અરુણ રામાજી ઠાકોર, અક્ષય અરજણજી ઠાકોર, સમીર મહેશજી ઠાકોર અને રેંજો ડીજે વાળો એક સાથે તેની પાસે આવી ગયા હતા અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને ગાળો બોલવા લાગ્યા હતા ત્યારબાદ મહેન્દ્ર ઠાકોરે તેના હાથમાં રહેલા પંચ જેવા હથિયાર વડે માથાના ભાગે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ મોઢા ઉપર મુક્કા માર્યા હતા. આ દરમિયાન સમીરે તેના હાથમાં રહેલી લોખંડની પાઈપ પડે હુમલો કર્યો હતો અને મિત્ર હેમંતને પણ અરુણ દ્વારા હાથમાં રહેલી છરી મારવામાં આવી હતી. અન્ય શખ્સો દ્વારા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. જે મારામારીની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ આ બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં આલોકની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે સાત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. 


Google NewsGoogle News