૪૦ વર્ષની પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકે ઘરે જઇને તોફાન મચાવ્યું
મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ગળુ ંદબાવી દીવાલમાં અફાળી
વડોદરા,૪૦ વર્ષની પરિણીતાના પ્રેમમાં પડેલા ૨૪ વર્ષના યુવકે તેના ઘરમાં ઘુસી જઇ ધમાલ કરી હતી. પરિણીતાએ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે મહિલાનું ગળું દબાવી શારીરિક છેડછાડ કરી હતી. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કરી યુવકને ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, પતિ, બે સંતાનો અને સાસુ સાથે રહેતી ૪૦ વર્ષની પરિણીતાનો સંપર્ક થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર ૨૪ વર્ષના સ્મિત કલ્પેશભાઇ શાહ (રહે. પ્રતિમા સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે થયો હતો. બંને સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા. યુવક પ્રેમસંબંધ માટે જીદ્દ કરતો હતો. પરંતુ, પરિણીતા ના પાડતી હતી. ગઇકાલે રાતે યુવક પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. ઘરમાં પરિણીતા અને તેના સાસુ એકલા જ હતા. યુવકે પરિણીતાને પ્રેમસંબંધ રાખવા માટે જીદ્દ શરૃ કરી હતી. પરંતુ, પરિણીતાએ ના પાડતા સ્મિતે ઉશ્કેરાઇને તેનું ગળું પકડી લીધું હતું.સ્મિત એટેલથી અટક્યો નહતો. તેણે પરિણીતાને શારીરિક અડપલા કર્યા હતા.પરિણીતાએ છૂટવા માટે પ્રયાસ કરતા સ્મિતે તેને પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથાડી હતી. પરિણીતા નીચે પડી જતા તેણે માર માર્યો હતો. તેમજ પરિણીતાનો મોબાઇલ ફોન ઝૂંટવીને તે ભાગી ગયો હતો. જે અંગે પરિણીતાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પી.આઇ. બી.બી. કોડિયાતરે સ્મિતને ઝડપી પાડી મોબાઇલ ફોન કબજે કર્યો હતો. પરિણીતા ઘરકામ કરે છે. જ્યારે તેના બે સંતાનો અભ્યાસ કરે છે. તેના પતિ ધંધો કરે છે. જ્યારે સ્મિત હાલમાં કોઇ કામ ધંધો કરતો નથી.