બારડોલી પાસે બાઈકની અડફેટે રોડ સાઈડમાં ઉભેલા યુવાનનું મોત
જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
અકસ્માત સર્જીને નંબર વગરના બાઇકનો ચાલક ફરાર : પોલીસ દ્વારા શોધખોળ શરૃ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા નાની બારડોલી પાસે ગઈકાલે રાત્રિના સમયે રોડ સાઈડમાં ઉભેલા યુવાનને ફૂલ ઝડપે આવી રહેલા બાઇકે પાછળથી અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગે દહેગામ પોલીસે બાઈકના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે દહેગામના દેવકરણના મુવાડાથી બારડોલી જતા રોડ ઉપર સર્જાયેલા
વધુ એક અકસ્માતમાં નાની બારડોલીમાં રહેતા યુવાનનું મોત થયું હતું. જે ઘટના અંગે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગામમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતાં
ફતેસિંહ સનાજી ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે રાત્રે
તેઓ ઘરે હાજર હતા તેઓ તે તેમના ગામના રૃપસિંહ ચૌહાણ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો
અને જણાવવામાં આવ્યું હતું કે,
તેમના નાનાભાઈ કિરણને દેવકરણના મુવાડાથી બારડોલી તરફ જતા રોડ ઉપર બારડોલી
ગામની સીમમાં પ્રભાતજીની દુકાન પાસે અકસ્માત થયો છે. જેમાં પગલે ફતેસિંહ તુરંત જ
ત્યાં પહોંચી ગયા હતા અને જોયું તો તેમનો ભાઈ કિરણ રોડની સાઈડમાં પડયો હતો અને કઈ
બોલતો ચાલતો ન હતો. જે સંદર્ભે પૂછતા જાણવા મળ્યું હતું કે કિરણ રોડ સાઈડમાં ઉભો
હતો તે દરમિયાન બહિયલ તરફથી આવી રહેલા બાઇકના ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી અને
જેના કારણે તે નીચે પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મોત થયું હતું. અકસ્માત
સર્જીને નંબર વગરના બાઇકનો ચાલક બાઈક મૂકીને નાસી છૂટયો હતો. ત્યારબાદ ખાનગી
વાહનમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દહેગામ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ
આ ઘટના અંગે દહેગામ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર બાઈક ચાલકને પકડવા દોડધામ શરૃ કરી
છે.