એસટી બસની અડફેટે ટ્રેક્ટરમાં સવાર યુવકનું મોત, બેને ઈજા
વણસોલ પાટિયા પાસે અકસ્માત
નડિયાદના મહોરેલના પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિ પણસોરા ખાતે ટામેટા વેચી પરત જઈ રહ્યા હતા
નડિયાદના મહોરેલ ગામે રહેતા જયંતિભાઈ ધૂળાભાઈ તળપદા બુધવારે સવારે દીકરા કુલદીપ, પત્ની લલીતાબેન સહિત અન્ય પરિવારજનો અને મજૂરો સાથે ભાગીદારના ખેતરમાં ટામેટા વીણવા ગયા હતા. સાંજે ગામના મફતભાઈ વનાભાઈ ભરવાડ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈને ખેતરમાં આવતા જયંતિભાઈ, તેમનો દીકરો કુલદીપ અને મફતભાઈ ટામેટા ભરીને પણસોરા ખાતે વજનકાંટા પર ગયા હતા. જ્યાંથી ટામેટા વેચ્યા બાદ રાત્રે તેઓ પરત ઘરે જવા નિકળા હતા. દરમિયાન વણસોલ પાટિયા નજીક પાછળથી પુરઝડપે આવેલી એસટી બસના ચાલકે ટ્રોલીની પાછળ ધડાકાભેર બસ અથડાવતા ટ્રેક્ટરમાં સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ ઉપર ફંગોળાયા હતા. ટ્રેક્ટર રોડની સાઈડમાં પલટી ખાઈ જતાં ત્રણેયને ઈજા પહોંચી હતી.
અકસ્માતના પગલે સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન કુલદીપનું મોત નિપજ્યું હતું. ભાલેજ પોલીસે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.