જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો : ત્રણ સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક કોમલનગરમાં રહેતા સંજય પાલાભાઈ પરમાર નામના યુવાન ઉપર તેજ વિસ્તારમાં રહેતા બુધુ પઢીયાર, રામપ્રસાદ પરમાર તેમજ રાજા નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી દેતાં ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, અને ત્રણેય સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સંજય પરમારના મિત્ર શેરસિંહ કોળી પર આજથી એક સપ્તાહ પહેલાં આરોપીઓએ હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી યુવાન મદદમાં આવ્યો હતો, અને તેને જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવામાં મદદ કરાવી હતી, જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં પણ મદદ કરી હતી.
જેનો ખાર રાખીને ઉપરોક્ત આરોપીઓએ સંજય પરમાર ઉપર હુમલો કરી દીધો હતો, અને અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધાક ધમકી આપી હતી. જે ત્રણેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.