સાયલાના સીતાગઢ ગામનો યુવક 16 વર્ષની સગીરાને ભગાડી ગયો
- સુરેન્દ્રનગર શહેરમાં સગીરાનું અપહરણ
- લગ્ની લાલચે સગીરાને ભગાડી જતાં બી-ડિવીઝન પોલીસ મથકે યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ
સુરેન્દ્રનગર : સુુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાના સાયલાના સીતાગઢ ગામે રહેતો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયાની ફરિયાદ ભોગ બનનાર સગીરાના પિતાએ બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનોે નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૬ વર્ષની સગીર દીકરી રાબેતા મુજબ બહારના ઘરકામ કરવા માટે ગઈ હતી પરંતુ ત્યાર બાદ દિકરી પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરતા દિકરી બંગલાના કામ માટે આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસ તેમજ સગા સબંધીની ત્યાં પણ તપાસ કરતા દિકરીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જે મામલે પરિવારજનોએ તપાસ કરતા સાયલાના ચીત્રાલાખ ગામે દિકરી સગાના ઘરે ગઈ હતી તે દરમ્યાન સીતાગઢ ગામે રહેતા રોનકભાઈ થરેશા નામના યુવક સાથે સંપર્ક થયો હતો. આથી દિકરીના પરિવારજનોએ યુવક રોનકભાઈનો મોબાઈલમાં સંપર્ક કરતા તેનો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો અને ગામમાં તપાસ કરતા પોતે ઘરે કે ગામમાં નહિં હોવાનું બહાર આવ્યું હતું. આથી ભોગ બનનાર સગીરાના પિતાએ બી-ડિવીઝન પોલીસ મથકે સાયલાના સીતાગઢ ગામે રહેતા રોનકભાઈ મહાદેવભાઈ થરેશા સામે સગીર દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાવતા બી-ડિવીઝન પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.