ઇન્સ્ટ્રાગ્રામ થકી મિત્ર બનેલા સે-૨૪ના યુવાને સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો
બાળકોને મોબાઈલ આપતા પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો
સંબંધીના ઘરે લઈ જઈ દુષ્કૃત્ય આચર્યું ઃ પરિવારને જાણ થતા સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના નવા સેક્ટરમાં રહેતી સગીરા ઇન્સ્ટ્રાગ્રામ થકી સેક્ટર-૨૪ના યુવાનના સંપર્કમાં આવી હતી અને આ યુવાને સગીરાને તેના સંબંધીના ઘરે બોલાવીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે હાલ સેક્ટર-૨૧ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
હાલના ડિજિટલ યુગમાં પરિવારો પોતાના બાળકોને પણ મોબાઈલ ફોન
ઉપયોગ કરવા માટે આપી દેતા હોય છે અને આ બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અજાણ્યા
મિત્રો પણ બનાવી દેતા હોય છે. જેના કારણે તેમને જ પસ્તાવાનો વારો આવતો હોય છે.
સમાજમાં આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી છે ત્યારે ગાંધીનગર શહેરના નવા
સેક્ટરમાં રહેતી સગીરા પણ સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવાનના બળાત્કારનો
ભોગ બની છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી આ સગીરાને પરિવાર
દ્વારા ફોન આપવામાં આવ્યો હતો અને તેમાં તેણે ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બનાવીને
રિલ્સ મુકવાનું શરૃ કર્યું હતું. જેના પગલે ગાંધીનગરના જ સેક્ટર ૨૪માં રહેતા યુવાન
દ્વારા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર આ સગીરાને મિત્ર બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમના
વચ્ચે વાતચીતનો દોર શરૃ થયો હતો અને ધીરે ધીરે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.
દરમિયાનમાં આ યુવાને તકનો લાભ લઈને આ સગીરાને સેક્ટર ૨૪માં તેના સંબંધીના ઘરે મળવા
માટે બોલાવી હતી. જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે બંને વચ્ચેના
સંબંધની જાણ સગીરાના પરિવારને થઈ હતી અને તેના કારણે તેમના માથે આભ ફાટયા જેવી
સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી આ સંદર્ભે હાલ યુવાન સામે સેક્ટર ૨૧ પોલીસ
મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.