વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સરકડિયાના યુવકે ઝેરના પરખાં કર્યાં
- વ્યાજે લીધેલા નાણાંનું વ્યાજ ભરવા વધારે રૂપિયા વ્યાજે લીધા
- 4 શખ્સ પાસેથી કુલ રૂ.૫.૭૫ લાખ વ્યાજે લીધાં, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કયાઃ હાલ સારવારમાં
સિહોર તાલુકાના સરકડીયા (સોન) ગામે પાન મસાલાની દુકાન ધરાવતા પંકજભાઈ મુળજીભાઈ લાઠીયાએ સોનગઢ પોલીસ મથકમાં સુખા વશરામભાઈ ખાંભલ્યા, કાનજી રામજીભાઈ ડાભી, ભરત ભીખાભાઈ મકવાણા (ત્રણેય રહે. સરકડીયા (સોન)) અને સુખા ભગવાનભાઈ ખાંભલ્યા (રહે. સુરત) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આશરે આઠ માસ પૂર્વે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તેમને દુકાને માલ સામાન લાવવા માટે પૈસાની જરૂર પડતા તેમના ગામના સુખાભાઈ ખાંભલ્યા પાસેથી રૂ.૧.૨૦ લાખ રૂપિયા ૧૫ ટકાના માસિક વ્યાજે લીધા હતા. જેનું નિયમિત વ્યાજ ચુકવ્યા બાદ થોડાં સમય પછી પૈસાની વ્યવસ્થા નહી થતાં તેમના ગામના કાનજીભાઈ ડાભી પાસેથી રૂ.૧.૮૦ લાખ ૨૦ ટકાના માસિક વ્યાજે લીધાં અને તે પછી વધારે પૈસાની જરૂર પડતા તેમના ગામના ભરતભાઈ મકવાણા પાસે રૂ.૭૫,૦૦૦ માસીક પાંચ ટકાના દરે તથા આજથી ચાર માસ પૂર્વે સુરત ખાતે રહેતા સુખાભાઈ ખાંભલ્યા પાસેથી રૂ.૨,૦૦,૦૦૦ માસિક પાંચ ટકાના દરે વ્યાજે નાણાં લીધાં હતા. છેલ્લા એક માસથી તેમની પાસે નાણાંની વ્યવસ્થા નહી થતાં ઉપરોક્ત તેમના ગામના ત્રણેય શખ્સો તેમજ ગઈકાલે સુખા ખાંભલ્યા તેમના ઘરે આવી વ્યાજ તથા મુદ્દલની માંગણી કરી અપશબ્દો કહી માર મારવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈને તેમણે ઉક્ત લોકોના ત્રાસથી ઘરે પડેલી મરચીમાં નાખવાની દવા પી લેતા સારવારઅર્થે સિહોર સરકારી દવાખાનામાં ખસેડયા હતા. આ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.