રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
કુટુંબી ભાઈઓ અને તેના મિત્રોએ મોડી રાત્રે ખેલ્યો ખૂની ખેલ
કુટુંબીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાના મામલે વારંવાર તકરાર થતી હતી, હત્યા નિપજાવી કુટુંબી ભાઈઓ અને મિત્રો ફરાર : તમામની શોધખોળ
પ્રાપ્ત વિગત અનુસાર ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામની સીમ, મલાર વાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ઝીણાભાઈ ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી નાગધણીબા ગામના પોપટભાઈ ઓધાભાઈ પટેલની જમીનમાં ભાગ રાખી ખેતીવાડી કરતા હતા.દરમિયાનમાં રાકેશભાઈને તેમની બાજુમાં રહેતા તેમના કુટુંબી અશોકભાઈ લવજીભાઈ ચૌહાણની પુત્રી કાજલ સાથે પ્રેમ સંબંધ હતો.આ સમગ્ર મામલે યુવતીના ભાઈ જયદીપ અને કુટુંબી નીતિન જેન્તીભાઇ ચૌહાણ સાથે બોલાચાલી અને ઝઘડો થતો હતો.દરમિયાનમાં પ્રેમ સંબંધ અને ઝઘડાની દાઝ રાખી ગત રાત્રિના ૧૧ કલાકના અરસામાં જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ,નીતિન જેન્તીભાઇ ચૌહાણ અને તેના મિત્રોએ એકસંપ કરી મલાર વાડી વિસ્તારમાં આવેલ બાડી નાગધણીબા વાળી નળમાં રાકેશભાઈની છાતી,પેટ અને પેડુના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવી નાસી ગયા હતા.
આ તરફ, નાના એવા ગ્રામ્ય વિસ્તારમાં યુવાનની હત્યાની જાણ થતાં જ આસપાસના વાડીના લોકો, રાકેશભાઈના પરિવારના સભ્યો ઘટના સ્થલે દોડી આવ્યા હતા. દોડી ગયા હતા.જયારે, બનાવના પગલે ઘોઘા પોલીસ કાફલો પણ ઘટના સ્થલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. જયારે, બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ અમિતભાઈ ઝીણાભાઈ ચૌહાણે તેના કુટુંબી જયદીપ ઉર્ફે ભકુડો,નીતિન જેન્તીભાઇ ચૌહાણ અને તેના મિત્રો વિરૂદ્ધ પ્રેમ સંબંધની દાઝમાં તેમના ભાઈ રાકેશ ઝીણાભાઈ ચૌહાણની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધી હત્યારાનો ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.