લાલપુરના પડાણાનો યુવાન લાપત્તા બન્યા બાદ પોલીસની ત્વરિત શોધખોળમાં વડોદરામાંથી હેમખેમ મળી આવ્યો
લાલપુર તાલુકાના પડાણા ગામનો એક યુવાન પોતાના ઘેરથી એકાએક લાપતા બન્યા પછી મેઘપર પોલીસ સ્ટેશનની ટુકડીએ તપાસ નો દોર તાત્કાલિક અસરથી છેક વડોદરા સુધી લંબાવી ત્યાંથી યુવાનને શોધી કાઢ્યો હતો, અને તેનો કબ્જો યુવાનના પિતાને સોંપી દીધો છે. પોતાના ઘરથી કંટાળીને ચાલ્યો ગયો હોવાની કબુલાત આપી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતો મુરુભાઈ મંગાભાઈ વાઘેલા નામનો 37 વર્ષનો દેવીપુજક યુવાન કે જે ગત 5મી તારીખે સવારે 7:30 વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી નોકરી પર જવા માટે નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગયો હતો.
પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓને ત્યાં પૂછપરછ કરાવી હતી, પરંતુ તેનો કોઈ પતો સાંપડ્યો ન હતો. આખરે ગુમ થનાર મુરુભાઈ ના પિતા મંગાભાઈ પુંજાભાઈ વાઘેલા ગુમનોંધ કરાવતાં મેઘપર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી.સી. જાડેજાએ તેની તવરીત શોધ ખોળ હાથ ધરી હતી.
ઉપરોક્ત વ્યક્તિ વડોદરા સુધી પહોંચી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસ ટુકડી ગુમ થનાર ના પિતાને સાથે રાખીને વડોદરા સુધી પહોંચી ગઈ હતી, અને ત્યાંથી યુવાનનો કબજો સંભાળી તેના પિતાને શોપી આપ્યો હતો.
પોતાના ઘરથી કંટાળી જઈ ચાલ્યો ગયો હોવાની કબુલાત આપી હતી. એ.એસ.આઇ વી.સી. જાડેજાએ તેને સમજાવટ કરીને ઘેર પરત મોકલી આપ્યો છે.