સાઇકલ પર ચારધામ યાત્રા માટે નીકળેલ દાહોદનો યુવાન ફસાયો, વર્ણવ્યો આંખો દેખ્યો અહેવાલ
Dahod : સાઇકલ પર ચારધામ યાત્રાએ નીકળેલ દાહોદ જિલ્લાનો યુવાન બે ધામની યાત્રા કરીને કેદારનાથ જવા નીકળ્યો ત્યારે અચાનક વાદળ ફાટવાથી સર્જાયેલી દુર્ઘટનામાં ફસાઇ ગયો હતો.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાં રહેતો ચિરાગ વળવાઇ નામનો યુવાન તા.1 જુલાઇથી દાહોદથી સાઇકલ લઇને ચાર ધામની યાત્રાએ નીકળ્યો હતો. સૌપ્રથમ તેણે યમનોત્રી અને બાદમાં ગંગોત્રીધામની યાત્રા પૂર્ણ ખરી હતી અને ત્યાંથી કેદારનાથ જવા નીકળ્યો હતો. કેદારનાથની યાત્રા બાદ છેલ્લી બદ્રીનાથની યાત્રા પર નીકળવાનો હતો.
ચિરાગે જણાવ્યું હતું કે હું કેદારનાથ પહેલા 25 કિલોમીટર દૂર તા.31 જુલાઇના રોજ સોનપ્રયાગ ખાતે રોકાયો હતો અને સવારે પોલીસે આવીને જાણકારી આપી હતી કે આગળ વાદળ ફાટયા છે તેમજ પાણી વધારે આવે છે. પોલીસે સોનપ્રયાગમાં હોટલો ખાલી કરાવી હતી અને યાત્રાળુઓને આગળ જતા અટકાવી દીધા હતાં. પાંચ કિલોમીટર દૂર ગૌરીકુંડ પાસે જ વાદળ ફાટતાં મારી નજર સમક્ષ જ મોટી તબાહી જોઇ હતી.
બાદમાં આગળ જવાના બદલે હું પરત સીતાપુર આવીને રોકાયો હતો. હવે હું અયોધ્યા સાઇકલ પર જઇશ અને ત્યાંથી ટ્રેન અથવા અન્ય કોઇ વાહન દ્વારા ફરી કેદારનાથની યાત્રા પૂર્ણ કરીશ. ચારધામ યાત્રામાં વાદળ ફાટવાની ઘટનાને પગલે પરિવારજનો ચિંતા કરતા હતા પરંતુ તેમનો સંપર્ક થતાં આખરે તેમણે રાહત થઇ હતી. તેણે કહ્યું હતું કે અત્યાર સુધી મેં સાઇકલ પર 2027 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે પરંતુ મને કોઇ મુશ્કેલી પડી ન હતી.