ઝુંડાલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રસ્તો ઓળંગતા યુવાનનું મોત નિપજ્યું
માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો : અડાલજ પોલીસ દ્વારા શોધખોળ શરૃ કરાઈ
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા
સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં
નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલા સરદાર
પટેલ રિંગ રોડ ઉપર ઝુંડાલ બ્રીજ ઉતરતા સમયે રસ્તો ઓળંગી રહેલા યુવાનનું હીટ એન્ડ
રનની ઘટનામાં મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અહીં લારી ચલાવતા અને ખોરજમાં રહેતા ફિરોજ હજીમુદ્દીન શેખ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, લારી ઉપર
હાજર હતો તે સમયે બ્રિજ પાસે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ૧૦૮
એમ્બ્યુલન્સને બોલાવીને ઘાયલ યુવાનને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં
આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ યુવાન બ્રિજ પાસે રસ્તો
ઓળંગી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક તેને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકને શોધવા માટે મથામણ શરૃ
કરવામાં આવી છે. બીજી બાજુ આ યુવાનની ઓળખ માટે પણ પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ
શરૃ કરી હતી.