કાર વોશ કરતા યુવાનને કરંટ લાગતા દાઝી જતા મોત
યુવકને કરંટ કઇ રીતે લાગ્યો, તેની તપાસ કરતી પોલીસ
વડોદરા,ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે કાર વોશ કરતા યુવકને અચાનક કરંટ લાગતા તેનું મોત થયું હતું. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે રહેતો મેહુલ લલિતભાઇ ડામોર હાલમાં વડોદરામાં ગોત્રી વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે વ્રજ વાટિકા સોસાયટીમાં રહે છે. કૃણાલ ચાર રસ્તા પાસે પ્રભુ હાઇટ્સ કોમ્પલેક્સની દુકાનમાં તે કાર વોશની દુકાનમાં નોકરી કરતો હતો. આજે સવારે ૧૧ વાગ્યે તે કાર વોશ કરતો હતો. દરમિયાન અચાનક કરંટ લાગતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હે.કો. ધુ્રવેસિંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકને કરંટ કઇ રીતે લાગ્યો ? તે હજી જાણી શકાયું નથી.