બપાડાના પાટિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત
- મજૂરી કામેથી ઘરે જતાં શ્રમિકને મોત આંબી ગયું
- પીકઅપ વાહને બાઈક ચાલકને અડફેટે લીધા બાદ એસટી બસ સાથે અથડાવ્યું, ફરિયાદ નોંધાઈ
ભાવનગર/તળાજા : તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે ગતે સાંજના સમયે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મજુરી કામેથી ઘરે જઈ રહેલા શ્રમિકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર ગચ સોમવારે સાંજના સુમારે મજુરી કામેથી પરત ફરી રહેલા સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.આશરે ૩૫)નું મોત નિપજ્યું હતું. બપાડા ગામના પાટિયા પાસે તેઓ તેમની બાઈક પરથી રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે જીજે-૦૩-બીટી-૮૮૩૦ નંબરના પીકઅપ વાહને તેમની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને બાદમાં હાઈવે પરની એસટી બસ જીજે-૧૮-ઝેડટી-૧૨૭૯ સાથે પીકઅપ વાહન અથડાવી નુકસાન પહોંચાડયું હતું. અકસ્માત સર્જાયા બાદ સુરેશભાઈ જીણાભાઈ રાઠોડને તળાજા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અકસ્માતમાં અકસ્માત સર્જનાર વાહન ચાલકને પણ ઈજા પહોંચી હતી જેમને પણ સારવાર માટે તળાજા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે દિનેશભાઈ ફાંફાભાઈ રાઠોડે અલંગ પોલીસ મથકમાં જીજે-૦૩-બીટી-૮૮૩૦ નંબરના પીકઅપ વાહનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.