સાંપા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત
દહેગામ બાયડ રોડ ઉપર આવેલા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ ઉપર સાપા ગામ પાસે બે
બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ નરોડાના યુવાનનું મોત થયું છે.
બાઈક ઉપર યુવાન નરોડાથી પોતાના વતન માલપુર ખાતે જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માતની
ઘટના બની હતી. દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર ગામનો વતની અને નરોડા ખાતે રહેતો યુવાન
વિક્રમ રેવાભાઇ ચમાર નરોડાની હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હતો. ગત
શનિવારના રોજ તે તેનું બાઇક લઈને વતન જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન સાંજના સમયે
દહેગામ બાયડ રોડ ઉપર સાંપા ગામ પાસે સામેથી આવતા બાઈક ચાલકે વિક્રમના બાઈક સાથે
અકસ્માત સર્જ્યો હતો . આ અકસ્માતની ઘટના બાદ તેના મોટા ભાઈ કિશનકુમારને કોઈ
અજાણ્યા વ્યક્તિએ વિક્રમના મોબાઈલથી ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. આ માહિતી
મળતાં જ કિશન, તેનો ભાઈ
કુલદીપ અને જીજાજી મેહુલભાઈ તાત્કાલિક દહેગામ તરફ રવાના થયા હતા.રસ્તામાં વિક્રમના
ફોન પર સંપર્ક કરતા ૧૦૮ના કર્મચારીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તને દહેગામ સરકારી દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે.
ત્યાંથી વિક્રમને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના
તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કિશનની ફરિયાદના આધારે દહેગામ પોલીસે આ મામલે
ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.