યુવકની છાતીમાં છરાના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દેતા મોત
ઝઘડો કરતા બે મિત્રોને છોડાવવા પડેલા અન્ય યુવકને ઇજા પહોંચતા ઉશ્કેરાઇને હત્યા કરી
વડોદરા,નવાપુરામાં નાણાંકીય લેવડ - દેવડના ઝઘડામાં બે મિત્રો વચ્ચે તકરાર થતા એક મિત્રે બીજાની છાતીમાં ચાકૂના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં બે - ત્રણ ડગલા ચાલીને ુયુવક ઢળી પડયો હતો. નવાપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના નવાપુરા જયરત્ન બિલ્ડિંગમાં રહેતો નીતિન ધર્મેન્દ્રભાઇ રાજપૂત છૂટક કામ કરે છે. તેની પત્ની પ્રેગ્નન્ટ હોઇ તેણે મિત્ર નિલય પાસે પૈસાની મદદ માંગી હતી. આજે નિલય નીતિનના ઘરે ગયો હતો. પૈસાના મુદ્દે બંને વચ્ચે તકરાર થતા નજીકમાં રહેતો કપિલ મહેરિયા છોડાવવા વચ્ચે પડયો હતો. તે દરમિયાન ઝપાઝપી થતા નીતિને કપિલના માથામાં ઇજા પહોંચાડી હતી. ઉશ્કેરાયેલો કપિલ ઘરે ગયો હતો અને છરો લઇને ધસી આવ્યો હતો. તેણે નીતિનની છાતીમાં છરાના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. નીતિન ત્રણેક ડગલા ચાલીને ઢળી પડયો હતો. બીજી તરફ હુમલાખોર કપિલ બળદેવભાઇ મહેરિયા ( ઉં.વ.૩૦) ભાગી છૂટયો હતો. લોહીથી લથપથ નીતિનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ,તેનું મોત થયું હતું. બનાવ અંગે નવાપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી હત્યામાં વપરાયેલો છરો કબજે લીધો છે.