સુરતમાં મોડી રાત્રે ડાયરિયા બાદ એક યુવકનું મોત, લિંબાયત વિસ્તારમાં 38થી વધુ ઝાડા ઉલટીના કેસ, તંત્ર દોડતું થયું
Surat Corporation : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા મહારાણા પ્રતાપ નગરમાં છેલ્લા દસ દિવસમાં 38 થી વધુ ડાયરિયાના કેસ થતા પાલિકા તંત્ર થયું છે. પાલિકા તંત્રોએ આજે દિવસ દરમિયાન સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન છ દર્દીઓ મળી આવ્યા હતા જેમાંથી ચાર સારવાર હેઠળ છે અને બેને રજા આપી દેવામાં આવી છે.
લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ નગરમાં છેલ્લા દસેક દિવસથી જાડા ઉલટીના વાવરની ફરિયાદ હતી. દરમિયાન એક 22 વર્ષીય યુવકને મોડી રાત્રે ઝાડા ઉલટી થયા બાદ વહેલી સવારે તેનો મોત નીપજ્યું હતું. આજે પાલિકાના આરોગ્ય વિભાગ અને જોન દ્વારા આ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સોસાયટીના 920 ઘરમાં રહેતા 2800 લોકોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં છ વ્યક્તિને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી. ચાર દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બેને રજા આપી દેવામાં આવી છે.
આ વિસ્તારમાં ડ્રેનેજ અને બોરિંગનું પાણી મિક્સ થતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું કહેવાય રહ્યું છે. પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ડ્રેનેજ ચેમ્બરમાં અંદરની સાઇટે ચણતર કરવામાં આવ્યું નથી તેને કારણે ગટરનું ગંદુ પાણી બોરિંગમાં ભળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી. પાલિકા તંત્રએ ચકાસણી કરતા આ ફરિયાદમાં તથ્ય જણાયું છે જેના કારણે જરૂરી સૂચના આપવામાં આવી છે. પાલિકા તંત્રએ બોરિંગના પાણીના પણ સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.