ગૌરીદડ ગામે આર્થિક ભીંસથી કંટાળી યુવાનની આત્મહત્યા
મૃતક ઇમિટેશનની મજૂરી કરતો હતો
પંખા સાથે લૂંગી બાંધી ગળાફાંસો ખાઇ લીધો, છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતો હતો
રાજકોટ : મોરબી રોડ પરના ગૌરીદડ ગામે રહેતા ઉદય પ્રવિણભાઈ અજાણી
(ઉ.વ.૨૧)એ ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક ભીંસના કારણે આ પગલું
ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કુવાડવા રોડ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઉદય ઇમીટેશનની મજૂરી
કરતો હતો. બે ભાઈમાં નાનો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી છેલ્લા ઘણા સમયથી
ચિંતામાં રહેતો હતો. જેને કારણે તેણે પોતાના રૃમમાં પંખા સાથે લૂંગી બાંધી
ગળાફાંસો ખાઈ લીધો હતો.
આજે સવારે પિતાએ દરવાજો ખોલીને જોતાં ઉદય લટકતો મળી આવતા
આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતા. તત્કાળ ૧૦૮ને જાણ કરી હતી. જેના તબીબે આવી મૃત જાહેર
કર્યો હતો.
ત્યાર પછી જાણ થતાં કુવાડવા રોડ પોલીસ પણ સ્થળ પર પહોંચી
હતી. સ્થળ પર જરૃરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો
હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.