સાસરે જઈ રિસામણે બેઠેલી પત્નીને છરીના 16 ઘા ઝીંકી યુવાનનો આપઘાત
બગસરાના જેતપુર રોડ પરનો બનાવ લોહીલુહાણ પત્નીને સારવાર માટે લઈ ગયા બાદ પોતાને લાગી આવતા યુવાને ડેમ વિસ્તારમાં આવેલી વાડીના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો
બગસરા, : બગસરાના જેતપુર રોડ પર પોતાના પિયર રિસામણે બેઠેલી પત્નીને મનાવવા આવેલા યુવાને પત્ની તેની સાથે વાત ન કરતી હોવાથી તેણીને રૂમમાં બોલાવી છરીના આડેધડ 16 ઘા ઝીંકી દીધા હતાં. પત્નીને લોહીલુહાણ હાલતમાં પોતે સારવાર માટે ખસેડી હતી. અને આ બાબતે પોતાને લાગી આવતા પોતાના સાસરાના ઘરની પાછળ આવેલી વાડીના ગોડાઉનમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
બગસરા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બગસરામાં રહેતા નિરલબેન (ઉ.વ. 30) ના લગ્ન વંથલીના સુખપર ગામે રહેતા ભરતભાઈ કરશનભાઈ પરમાર (ઉ.વ. 40) સાથે થયા હતાં. ભરતભાઈ છેલ્લાં 14 વર્ષથી નિરલબેનને શારિરીક તથા માનસિક ત્રાસ આપતા હોવાથી તે સહન ન થતા નિરલબેન છેલ્લાં ત્રણ મહિનાથી પોતાના પિયર બગસરા ખાતે રિસામણે આવ્યા હતાં.
દરમિયાન તેમના પતિ ભરતભાઈ પણ બગસરા રહેવા આવી મજૂરી કામ કરતા હતાં. ભરતભાઈ છેલ્લાં ચાર દિવસથી તેમના સાસરે પત્નીને મનાવવા આવ્યા હોઈ પરંતુ પત્ની નિરલબેન તેમની સાથે બોલતા ન હોવાથી તેનું મનદુઃખ રાખી નિરલબેનને રૂમમાં બોલાવી તેમને આડેધડ છરીના 16 ઘા ઝીંકી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓ જાતે લોહીલુહાણ હાલતમાં નિરલબેનને સારવાર માટે લઈ ગયા હતાં. પત્ની નિરલબેનને છરીના ઘા ઝીંક્યા બાદ ભરતભાઈને લાગી આવતા તે પોતાના સાસરાના ઘર પાછળ જેતપુર રોડ પર પાણીના ટાંકા પાછળ ડેમ વિસ્તારમાં આવેલી ધીરૂભાઈ ધાધલની વાડીના ગોડાઉનમાં છતના પતરાના પાઈપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની નિરલબેની હાલત ગંભીર હોઈ તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. નિરલબેનની ફરિયાદના આધારે મૃતક ભરતભાઈ ાસમે બગસરા પોલીસે ફરિયાદ નોંધી છે. બનાવ અંગે બગસરા પીઆઈ કેબી જાડેજાએ તપાસ હાથ ધરી છે.