ધોરાજીમાં માતાજી સમક્ષ દર્શન કરી પેટમાં કટારી મારી યુવાનનો આપઘાત
ધંધો રોજગાર ચાલતો ન હોવાથી બેકારી અનુભવતા 2 સંતાનના પિતનું આઘાતજનક કૃત્ય : આંતરડા બહાર નીકળી જતાં લોહીના ફૂવારા વછુટયા અને એ જ ક્ષણે મોત નીપજ્યું
ધોરાજી, : અહીની શાકમારકેટ નજીક લાલશાહ બાપુની દરગાહ પાસે રાવળ ફળીમાં રહેતા બે સંતાનના પિતા એવા યુવાને ઘર બહાર ગયા બાદ ઘરે પરત આવીને ઘરમાં જ માતાજીના મંદિરની પાસે ઉભો રહી માતાજીને પ્રાર્થના કર્યા બાદ આત્મહત્યાની મંજૂરી માગી બાદમાં મંદિરમાં જ માતાજીની બાજુમાં રહેતી કટારી ઉઠાવીને પેટમાં ઘા મારી દેતાં એ જ ક્ષણે આંતરડા બહાર નીકળી ગયા હતા. અને હોસ્પિટલે ખસેડતાં ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.
બનાવની વધુ વિગત મુજબ જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ લાલશાહ બાપુની દરગાહ પાસે રાવળફળીમાં રહેતા ભદ્રેશ જયંતીભાઈ નકુમ (ઉવ. 35)નામના બે સંતાનના પિતાએ સવારના સમયે બહાર ગયા બાદ ઘરે પરત ફરીને ઘરમાં જ રહેલા માતાજીના મંદિર પાસે ઉભો રહીને માતાજી પાસે પ્રાર્થના કરીને આપઘાત કરવાની મંજૂરી માગીને બાદમાં મંદિરમાં જ રહેલી કટારીને ઉઠાવી ખૂબ જ જોરથી કટારીના પેટમાં ઘા મારી દેતાં એ જ વખતે તેના શરીરમાંથી લોહીના ફુવારા નીકળી પડયા હતા. આ બાબતની જાણ યુવાનના પિતા જયંતિભાઈ નકુમને થતાં તેઓએ ઈજાગ્રસ્ત યુવાનને તુરતજ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. પણ ડોકટરોએ એને મૃત જાહેર કર્યો હતો. એ પછી સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. એમના પીતાએ જણાવ્યું હતું કે તેનો પુત્ર કોઈ કેફી પીણું પી ને ઘરમાં આવ્યો હતો.
વધુમાં એમણે જણાવ્યું હતુ કે આ યુવાન છેલ્લા બે ત્રણ દિવસથી મારે જીવવું નથી, આત્મહત્યા કરી લેવી છે. એવા આપઘાતના વિચારો કરતો હતો. એમને બે સંતાનો છે. જેમાં એક દીકરી અને એક દીકરો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેને ધંધો રોજગાર ચાલતો ન હતો અને બેકારી અનુભવતો હતો.