રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ યુવાનની આત્મહત્યા
સ્યુસાઈડ નોટમાં દસ શખ્સોના નામ લખ્યા
બાલભવન નજીક ઝેરી પાવડર ખાઈ લીધો, સિવીલમાં સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં કલ્પાંત
પ્રાપ્ત માહિતી મુજબ અલ્પેશભાઈએ ગઈકાલે રાત્રે કુંટુંબી ભાઈ-બહેનોને વોટસએપમાં એક વીડીયો મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે મારી બધી બહેનોને જય માતાજી, આ મારો છેલ્લો વીડીયો છે, સુખી રહેજો. આ વીડીયો જોઈ પરિવારજનો અને સગાસંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. જેથી તત્કાળ અલ્પેશભાઈને કોલ કરતાં રેસકોર્સ હોવાનું કહ્યું હતું. જયાં પહોંચ્યાં તે પહેલાં બાલભવનના શૌચાલય નજીક ઝેરી પાવડર ખાઈ લીધો હતો. જેથી તત્કાળ ૧૦૮માં સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો.
આ પગલું ભરતા પહેલાં અલ્પેશભાઈએ એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે મારા મોતના કારણ નીચે છે. બધા વ્યાજવાળાને મૂડી કરતાં પણ વધારે રૃપિયા આપી દીધા છે, પણ હવે મારી પાસે રૃપિયા નથી, થાકી ગયો છું.
આગળ સ્યુસાઈડ નોટમાં દસ શખ્સોના નામ લખ્યા છે. જેમાં પંકજ, યોગેશ, ખીમજીભાઈ, જોગેશ, તાહેરભાઈ, ભીખુભાઈ, પરાગભાઈ, સિધ્ધાંતસિંહ, અર્જુનસિંહ, વિપુલભાઈ વગેરે નામો છે. આગળ લખ્યું છે કે જો કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે.
આપઘાત કરનારા અલ્પેશભાઈ ત્રણ ભાઈમાં વચેટ અને પરિણીત હતા. તેના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. જે સ્યુસાઈડ નોટ લખી છે તેના આધારે વ્યાજખોરો સામે ગુનો દાખલ થાય તેવી સંભાવના છે. વ્યાજખોરોના નામ આગળ મોબાઈલ નંબર પણ લખેલા છે.
પ્ર.નગર પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.