જામનગરના જુના બંદરે દિવાલનું ચણતર કામ કરી રહેલા શ્રમિક યુવાનનું નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ
Jamnagar : જામનગરના જુના બંદરે દિવાલનું ચણતર કામ કરી રહેલા રમીત યુવાનનું પાટિયું તૂટી જવાથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતો અને જુના બંદરે મજૂરી કામ કરતો ડોરીલાલ રામજીત રાજપુત (25), કે જે ગઈકાલે જુના બંદરે એક દીવાલનું બાંધકામ કરી રહ્યો હતો.
જ્યાં બાંધેલા પાટીયાની નીચેનો ખીલો નીકળી જતાં પાટિયું તૂટવાથી જમીન પર નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર ઈજા થવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.