જામનગરનો શ્રમિક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 10 ટકા લેખે વ્યાજે લીધેલા પૈસા ચૂકવી બાદ પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ
Jamnagar Vyajkhor : જામનગરમાં દિગ્જામ મિલની ચાલી વિસ્તારમાં રહેતો એક શ્રમિક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો છે. જેણે પોતાની જરૂરિયાત માટે એક ફાઇનાન્સ પેઢીના સંચાલક પાસેથી 45,000 રૂપિયા 10 ટકા લેખે વ્યાજે લીધા પછી તેનું કટકે કટકે 81 હજાર વ્યાજ અને મુદ્દલ રકમ પરત કરી દીધી હતી. તેમ છતાં વ્યાજખોર દ્વારા વધુ એક લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી, જ્યારે સિક્યુરિટી પેટે રાખેલા ચેક બેંકમાંથી રિટર્ન કરાવી લઇ અદાલતમાં ચેક રિટર્નના કેસ દાખલ કર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વુલનમિલની ચાલી વિસ્તારમાં રહેતો ક્રિષ્ના કુમાર રવજીભાઈ ઘાવરી નામના 34 વર્ષના શ્રમિક યુવાન, કે જે પોતે છૂટક મજૂરી કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, જેને પોતાના કામ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં જામનગરમાં માણેક સેન્ટરમાં આવેલી શક્તિ ફાઇનાન્સ નામની પેઢીના સંચાલક યોગેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા પાસેથી 45 હજાર રૂપિયા 10 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેણે પોતાના ત્રણ ચેક અને પોતાના ભાઈના કોરા સહીવાળા ચેક આપ્યા હતા, અને ત્યારબાદ પોતે દર મહિને 4,500 રૂપિયાનું વ્યાજ ચૂકવતો હતો. શ્રમિક યુવાને પોતાની પાસે પૈસાની સગવડતા પૂરી થઈ જતાં કુલ 81,000 વ્યાજના અને 45,000ની મુદ્દલ રકમ આપી દીધી હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એટલું જ માત્ર નહીં તેણે શ્રમિક યુવાન અને તેના ભાઈના કોરા ચેક બેંકમાં રિટર્ન કરાવી દઈશ રિટર્ન કરાવી લીધા હતા, અને જામનગરની અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ મામલો પોલીસમાં મથકે પહોંચ્યો હતો, અને કૃષ્ણકુમાર ઘાવરીની ફરિયાદના આધારે પોલીસે ફાઈનાન્સ પેઢીના સંચાલક યોગેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા સામે ગેરકાયદે નાણાં ધીરધાર અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.