વ્યાજે લીધેલાં નાણાંની લેતી-દેતી મુદ્દે રત્ન કલાકાર યુવકની કરપીણ હત્યા
- 'હીરાના કારખાના ખુલે એટલે તમારા રૂપિયા ભરી આપીશું પરંતુ...'
- બે શખ્સ રાત્રે ઘરે આવતાં યુવક તેમની સાથે બાઈક પર ગયો હતો, સવારે બોરતળાવની ખુલ્લી જગ્યામાંથી હત્યા કરાયેલી હાલતે યુવકનો મૃતદેહ મળી આવ્યો
- વ્યાજે નાણાં આપનાર વ્યાજખોર સહિત બે શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી : બન્ને હત્યારા ઝડપાયા
ભાવનગર : ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવકનો આજે વહેલી સવારે બોરતળાવ પાસેની ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા યુવકની વ્યાજે લીધેલા પૈસાની લેતી-દેતી મામલે હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકના ભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા કરનારા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
ધંધા-રોજગારીના અભાવે ભાવનગર દિન-પ્રતિદિન આર્થિક રીતે ભાંગતું જાય છે. શહેરની કરોડરજ્જૂ સમાન પ્લાસ્ટિક અને હીરા ઉદ્યોગ માં હાલ મંદી જોવા મળી રહી છે. તો, અલંગમાં પણ ભંગાણાર્થે આવતાં જહાજોની સંખ્યામાં કોઈ વધારો જોવા ન મળતાં અલંગ અને તેને આનુષંગિક ઉદ્યોગ-ધંધામાં પણ હાલ તેજીનો આશાવાદ જોવા મળતો નથી. સામાન્યતઃ સંજોગોમાં ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળી પછીના સપ્તાહથી હીરાના કારખાના શરૂ થઈ જતાં હોય છે પરંતુ, આ વખતે હજુ સુધી મોટભાગના કારખાના શરૂ થયા નથી, તેના કારણે રત્ન કલાકારોની માઠી બેઠી છે. એક તપફ, મંદીનો માર અને બીજી તરફ ઘર ચલાવવાના ફાફાંના કારણે હાલ તો રત્ન કલાકારોની હાલત પડયા પર પાટું જેવી બની છે તેવામાં આજે બનેલાં હત્યાના બનાવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જિલ્લામાં મંદી ઘેરી વળી હોવાનું સાબિત થઈ રહ્યું છે.
આજે પ્રકાશમાં આવેલાં બનાવની વિગત એવી છે કે, આજે સવારે ૮ કલાકના અરસામાં શહેરના કાળિયાબીડ નજીક બોરતળાવની ખુલ્લી અને અવાવરૃં જગ્યામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને નિલમબાગ પોલીસ સ્ટેશન તથા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા થઈ હોવાની શક્યતા જણાઈ આવી હતી. જેના પગલે નિલમબાગ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. અને તેની ઓળખની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમા મૃતદેહ ભાવનગર શહેરના જુની દરબારી સાગવાડી પારીજાત સ્કુલવાળા ખાંચામાં રહેતા પ્રદિપભાઈ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી નામના ૩૬ વર્ષીય યુવકનો હોવાનું ખુલ્યું હતું. વ્યવસાયે હીરાના કારખાનામાં હીરા ઘસતા રત્ન કલાકાર યુવકની પૈસાની લેતીદેતી મામલે કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દરમિયાનમાં બનાવ અંગે મૃતક યુવકના નાના ભાઈ પરેશભાઈ ઝવેરભાઈ ડાભીએ હોસ્પિટલ આવી મૃતદેહની ઓળખ કરી હતી. જયારે, બનાવ અંગે પરેશભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં વિશાલ ભગાભાઈ સોહલા (રહે.ભાંગલીગેટ, ભાવનગર) અને નિરવ દિનેશભાઈ સોહલા (રહે.ભાવનગર) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના મોટાભાઈ અને મૃતક યુવક એવા પ્રદિપભાઈ હીરા ઘસવાનું કામ કરતા હોય અને તેમને રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં વિશાલ ભરવાડ પાસેથી વ્યાજે રૂપિયા લીધાં હતા. જેથી વિશાલ અવારનવાર તેમના ઘરે તથા ઘર પાસે આવેલા પાનના ગલ્લા પાસે આવી તેમના ભાઈ પ્રદિપભાઈ પાસે વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેમાં પ્રદિપભાઈ તેની સાથે વાતચીત કરી પરત આવી જતાં હતા. ઘણીવાર તેમના પિતા પણ વિશાલતથા નિરવને કહેતા કે 'હીરાના કારખાના ખુલે એટલે તમારા રૂપિયા ભરી આપીશું' પરંતુ ગત બુધવાર રાત્રિના આશરે ૧૦.૩૦ કલાકથી ૧૧ કલાક વચ્ચેના સમયગાળામાં ઉક્ત બન્ને શખ્સો તેમના ઘરે આવ્યા હતા. જયાં મૃતક બન્ને શક્સો સાથે તેમની બાઈક પર બેસીને બહાર ગયો હતો. ત્યાર બાદ આજે સવારે તેમનો બોરતળાવ નજીક નિર્જન સ્થળેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ઉક્ત બન્ને શખ્સોએ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી બાબતે દાઝ રાખી તિક્ષ્ણ હથિયારો વડે તેમના ભાઈની હત્યા કરી મૃતદેહને નિર્જન સ્થળે છોડી નાસી છૂટયા હતા. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે બન્ને હત્યારા વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી ં ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર ફરાર બન્ને હત્યારા પોલીસના હાથવેંતમાં હોવાનું અને મોડીરાત સુધીમાં પોલીસ પક્કડમાં હોવાનું જણાવ્યું હતું.