લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એક ખેડૂત યુવાનના ઘરમાં ઘૂસી ખેડૂત પર હુમલો કરી તેની પત્નીનું અપહરણ: તેમના જ કુટુંબી સામે ફરિયાદ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. એક ખેડૂત યુવાનના ઘરમાં તેનો જ કુટુંબી ઘુસ્યો હતો, અને ખેડૂત યુવાનને માર મારી તેની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જણાવાયું છે.
ખેડૂતની પત્ની ઘરમાંથી 10 લાખની રોકડ રકમ અને ત્રણ તોલા સોનું પણ લઈ ગઈ હોવાનું જાહેર થયું છે, જેથી અપહરણ કરનાર, તેમજ ખેડૂતની પત્નીને લાલપુર પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ નાનભા જાડેજા નામના 40 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઘરમાં ઘૂસી જઇ પોતાને માર મારવા અંગે તેમજ પોતાની પત્નીને ઉઠાવી જવા અંગે પોતાના જ કુટુંબી જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા ભગીરથસિંહ ઉર્ફે લાલો દીલુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
ગત 25મી તારીખે રાત્રિના આ બનાવ બન્યો હતો, અને ખેડૂત યુવાનના જાહેર કરાયા અનુસાર તેની પત્ની ઘરમાંથી બહાર નીકળી ત્યારે પોતાની સાથે ખેતીની ઉપજની ઘરમાં રાખવામાં આવેલી રૂપિયા દસ લાખની રોકડ રકમ, ઉપરાંત 3 તોલા સોનુ પોતાની સાથે લઈ ગઈ હોવાનું જણાવ્યું છે. જે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
પોલીસમાં વધુ પૂછપરછમાં જણાવ્યા અનુસાર યુવરાજસિંહ જાડેજા કે જે ખેતીના કામસર અવારનવાર બહાર ગામ જતો હતો, જે દરમિયાન તેના ઘરમાં પાછળથી કોઈ વ્યક્તિ આવતી હોવાનું અને પોતાની પત્નીને મળતા હોવાનું જાણવા મળતાં તે અંગે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પરમ દિવસે રાત્રિના સમયે પોતે બાજુના ગામમાં જઉં છું તેમ પત્નીને કહીને ઘેરથી નીકળ્યા હતા, ત્યારબાદ પોતે પોતાના ગામના બસ ડેપો પાસે સંતાઈ ગયો હતો. દરમિયાન પત્નીનો ફોન આવ્યો હતો, કે તમે કેટલે સુધી પહોંચ્યા છે. જ્યારે તેણે પોતે કાલાવડ પહોંચી ગયો હોવાનું પત્નીને ખોટું જણાવ્યું હતું.
ત્યારબાદ પોતે પોતાના ઘર પાસે આવતાં બાઈકમાં એક શખ્સને પોતાના ઘરમાં ઘૂસતો જોયો હતો, તેથી તે પણ પોતાના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો.ત્યાં અંદર પોતાના બેડરૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. આથી તેણે પોતાના રૂમ બંધ જોવા મળતાં દરવાજા ને ખખડાવતાં થોડો સમય સુધી ખુલ્યો ન હતો, પરંતુ થોડીવાર બાદ તેમાંથી લાલો જાડેજા બહાર આવ્યો હતો, અને તેણે યુવરાજસિંહ ઉપર હુમલો કરી માર મારી પછાડી દીધો હતો, ત્યારબાદ યુવરાજસિંહની પત્નીને પોતાની સાથે લઈને ભગીરથસિંહ ભાગી છૂટ્યો હતો.
આથી અન્ય પરિવારજનોને બોલાવ્યા બાદ સમગ્ર મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો. આથી લાલપુર પોલીસ આરોપી ભગીરથસિંહને તેમજ ખેડૂત યુવાનની પત્નીને શોધી રહી છે.