જામનગરના જેટકોના કર્મચારી યુવાનને બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં ગંભીર ઇજા: હોસ્પિટલમાં સારવાર લીધી
જામનગર શહેરમાં અકસ્માતના બે બનાવમાં જેટકોના એક કર્મચારી તેમજ ખાનગી ટ્રાવેલ્સ ના બસ ચાલકને ઈજા થઈ છે, અને બંને ને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. અકસ્માતનો પ્રથમ બનાવ જામનગરમાં મિગકોલોની રોડ પર બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા જેટકોના કર્મચારી વિજયભાઈ બાબુભાઈ પરમાર નામના 34 વર્ષના બાઈક ચાલક યુવાનને સામેથી આવી રહેલા જી.જે. 10 ડી.એફ. 0459 નંબરના અન્ય બાઇક ચાલક હાર્દિક કણજારીયા એ ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, અને તેને એક પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થવાથી જી.જી. હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. પોલીસે અન્ય બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગરમાં સાત રસ્તા નજીક બન્યો હતો. જ્યાં સંતોષી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહેલા ખાનગી લકઝરી બસ ના ચાલક યુવરાજસિંહ વનરાજસિંહ જેઠવા નામના 33 વર્ષના બાઈક ચાલક યુવાનને દિલ્હી પાસિંગની ડી.એલ.9 સી.બી. 2736 ના ચાલકે ઠોકર મારી ઈજા પહોંચાડી હતી, અને તેને પણ હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જે અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.