કાલાવડ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુ
Jamnagar Accident : જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર મોટા વડાળા ગામના પાટીયા પાસે એક ઓટોરિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક પરપ્રાંતિય શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો મૂલિયાભાઈ ઉર્ફે મૂળજીભાઈ નેવલાભાઈ ગણાવા કે જે ગઈકાલે પોતાનું જીજે-5 જી.બી.5442 નંબરનું બાઈક લઈને કાલાવડથી અનાજ કરિયાણું લઈને રાજકોટ તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન મોટા વડાળા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે.10 ટી.ઝેડ.0213 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર મૂલિયાભાઈ ઉર્ફે મૂળજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવ અંગે મોટાભાઈ મગનભાઈ નેવલાભાઈ ગણાવાએ સીએનજી રીક્ષાના ચાલક સામે કાલાવાડ ગ્રામ્ય પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.