બજેટમાં જાહેરાત કર્યાનું વર્ષ વિતી ગયું છતાં પણ કાર્ડિયાક સેન્ટરના ઠેકાણા નથી
આરોગ્યના અધિકારીઓ દ્વારા વારંવાર પ્લાન ફેરવવાને કારણે
કેથલેબ તૈયાર કરવા ગાંધીનગર સિવિલમાં ૬૦૦ બેડની હોસ્પિટલના ત્રણ માળ ખાલી કર્યા : ત્રણ સેન્ટર માટે રૃા.૪૦ કરોડની જોગવાઇ કરાઇ હતી
ગુજરાત સરકારના ગત બજેટમાં વધતા જતા હૃદયરોગના હૂમલાની
ચિંતા જોવા મળી હતી અને સુરત તથા રાજકોટની સાથે ગાંધીનગરમાં પણ કાર્ડિયાક
ટ્રીટમેન્ટ સેન્ટર શરૃ કરવા માટે કુલ ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી અમદાવાદના
યુએન મહેતા ઇન્સ્ટીટયુટના સહયોગથી આ ત્રણેય જગ્યાએ કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર
શરૃ કરવામાં આવશે તેવી જાહેરાત તથા ૪૦ કરોડની માતબર રકમની બજેટમાં જોગવાઇ કરવા છતા
આરોગ્યના અધિકારીઓ દ્વારા ગાંધીનગર સિવિલમાં સતત પ્લાન ફેરફાર કર્યો હતો.
શરૃઆતમાં જુની બિલ્ડીંગમાં ત્યાર બાદ નવી આકાર પામી રહેલી
સુપર સ્પેશ્યાલીટી બિલ્ડીંગમાં તથા અંતમાં ૬૦૦ બેડની હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરથી
ત્રીજા માળ સુધીના વિસ્તારમાં કેથલેબ ઉભી કરવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો
જેના પગલે અહીં વીઆઇપી રૃમ્સ,સ્ટોર, આઇસીયુ, એનઆઇસીયુ, ઓપરેશન થિયેટર
સહિત ઘણા વોર્ડને જુની બિલ્ડીંગમાં ફેરવવાની નોબત આવી હતી.
જેના કારણે
ગાંધીનગર સિવિલમાં કેથલેબ ઉભી કરવામાં ખુબ જ વિલંબ થયો છે એટલુ જ નહીં, એક વર્ષનો સમય
વિતી ગયો છતા અહીં કાર્ડિયાક સેન્ટરના હજુ સુધી ઠોસ ઠેકાણા નથી.ગાંધીનગરમાં
કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૃ થઇ જશે તો હૃદયરોગને લગતી સેવા-નિદાન-સારવાર
ગાંધીનગરમાં થઇ શકશે જેના પગલે હાલ હાર્ટના દર્દીઓને અમદાવાદ ટ્રાન્સફર કરી
દેવામાં આવે છે તેમાં તો ઘટાડો થશે જ સાથે સાથે મૃત્યુઆંકમાં પણ સુખદ ઘટાડો થશે તે
વાત નક્કી છે પરંતુ આ સેવા ક્યારે શરૃ થાય છે તે તો જોવુ રહ્યું.