Get The App

ધ્રાંગધ્રાના મેથાણમાં બનાસકાંઠાના દંપતિનું એક કરોડનું કૌભાંડ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રાના મેથાણમાં બનાસકાંઠાના દંપતિનું એક કરોડનું કૌભાંડ 1 - image


- સાબરકાંઠામાં બી-ઝેડ ગૃપના 6 હજાર કરોડના ફૂલેકા બાદ 

- પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ. કંપનીમાં માત્ર મહિલાઓને જ દર વર્ષે બાર-બાર હજારનું છ વર્ષ સુધી રોકાણ કરાવી 98 હજાર આપવાની લાલચ આપી હાથ અધ્ધર કર્યા છ ગામની 100 જેટલી મહિલાઓની મહામૂડી ફસાઇ

- સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળા મારી દંપતિ ભૂગર્ભમાં : એજન્ટોએ કંપનીના વહિવટકર્તા, સીઈઓ અને ચેરમેન સામે ગત જુન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપીંડી અંગે અરજી આપી હતી પણ કોઇ પગલાં ભર્યા નહીં

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના એક માત્ર મેથાણ ગામમાંથી બનાસકાંઠાના દંપતિએ પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ.માં સારૂ વળતરના નામે અંદાજે રૂા.૧ કરોડથી વધુનું રોકાણ કરાવી છેતરપીંડિ આચરી ભૂગર્ભમાં ઉતરી જતાં ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળા મારી દંપતિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એજન્ટોએ કંપનીના વહિવટકર્તા, સીઈઓ અને ચેરમેન સામે ગત જુન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપીંડી અંગે અરજી આપી હતી પણ કોઇ પગલાં નહીં ભરતાં રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરોડો રૂપિયાનું બી-ઝેડ ગૃપ દ્વારા કૌભાંડ બહાર આવ્યંર છે અને તેમાં અંદાજે રૂ.૬૦૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી ભાજપનો કાર્યકર નાસી છુટયો છે. ત્યારે આવું જ વધુ એક ચકચારી કૌભાંડ બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામે આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રહેતી મહિલાઓ અને વૃધ્ધોને ગામમાં જ રહેતી ત્રણ મહિલા એજન્ટો ઈન્દુબેન, સુશીલાબેન અને સવિતાબેનએ પાલનપુર ખાતે હેડ ઓફીસ અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પણ તેની બ્રાન્ચ ધરાવતી પ્રસિધ્ધી નિર્માણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (પ્રસિધ્ધ નિર્માણ ગૃપની) કંપનીમાં માસીક રોકાણ કરવાની વાત કરી હતી અને અલગ-અલગ રકમ દર મહિને જમા કરાવવાનું જણાવ્યું હતું તેમજ ૬ વર્ષની મુદ્દત સુધી રૂપિયા જમા કરાવ્યા બાદ વ્યાજ સાથે વધુ રકમ તેમજ લોન, મકાન સહિતની ચીજવસ્તુઓ કંપની દ્વારા આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી હતી. આથી મહિલા એજન્ટોના વિશ્વાસમાં આવી મેથાણ ગામની અંદાજે ૯૦થી વધુ મહિલાઓએ પોતાની બચતના તેમજ પરચુરણ કામ દ્વારા એકત્ર કરેલ આવક અંદાજે ૬-૭ વર્ષ પહેલા એજન્ટ મારફતે કંપનીમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં ગામની અમુક મહિલાઓ દર મહિને ૫૦૦ તેમજ અમુક મહિલાઓ દર મહિને ૧૦૦૦ રૂપિયા જમા કરાવતી હતી જેની એજન્ટો દ્વારા દર મહિને જમા કરાવ્યાની પહોંચ પણ રોકાણકારોને આપવામાં આવતી હતી. આમ ગામની મહિલાઓએ રૂપિયા ૫૦૦ લેખે ૬ વર્ષ માટે રૂા.૩૬,૦૦૦ પ્રતિ મહિલા દીઠ અને રૂા.૧,૦૦૦ લેખે ૬ વર્ષના રૂા.૭૨,૦૦૦ પ્રતિ મહિલા દીઠ પ્રસિધ્ધિ નિર્માણ કંપનીમાં જમા કરાવતા હતા. જ્યારે મહિલા એજન્ટો દ્વારા રકમ જમા કરાવનાર મહિલાઓને ૬ વર્ષની મુદ્દત પૂર્ણ થયા બાદ રૂપિયા ૩૬,૦૦૦ના રૂા.૪૯,૫૦૦ અને રૂા.૭૨,૦૦૦ના રૂા.૯૮,૫૦૦ પરત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

આથી ૬ વર્ષની મુદ્દત પૂર્ણ થયા બાદ મેથાણ ગામની મહિલા રોકાણકારોએ એજન્ટ પાસે નક્કી થયા મુજબ ભરેલી રકમ વ્યાજ સાથે પરત માંગતા છેલ્લા ૬-૭ મહિનાથી મહિલા એજન્ટો બહાના બતાવી ગલ્લા-તલ્લા કરતા હતા અને કંપની દ્વારા રકમ ચુકવી દેવામાં આવશે તેવી અવાર-નવાર ખાત્રી આપવામાં આવતી હતી. જ્યારે અનેક વખત ભોગ બનનાર મહિલાઓએ એજન્ટો પાસે ઉધરાણી કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા મહિલાઓએ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી કંપનીની બ્રાન્ચ ઓફિસનો સંપર્ક કરતા ત્યાં ઓફિસને તાળા મારી બોર્ડ ઉતારી જવાબદાર સ્થાનિક અધિકારીઓ રફુચક્કર થઈ ચુક્યા હતા. ત્યાર બાદ મહિલાઓએ ગામમાં રહેતી મહીલા એજન્ટનો સંપર્ક કરતા તેઓએ આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કંપનીના ડિરેકટરો અને મુખ્ય સંચાલકો સામે છેતરપીંડિ અંગે લેખિત અરજી કરી હોવાનું જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી લીધા હતા. આમ ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામમાં હાલ વધુ એક કંપની દ્વારા કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે જિલ્લામાં અન્ય ગામોમાં પણ આ અંગે તપાસ કરવામાં આવે તો છેતરપીંડિનો આંક કરોડોને પાર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ભોગ બનનાર મહિલાઓ અને રોકાણકારોમાં કંપની સહિત એજન્ટો સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલીક છેતરપીંડિ આચરનાર કંપનીના જવાબદાર અને દોષિત અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે અને રોકાણ કરેલી રકમ પરત આપવામાં આવે તેવી મહિલાઓએ માગ કરી છે.

કંપનીએ મહિલાઓને સૌથી વધુ ટાર્ગેટ બનાવી

પ્રસિધ્ધિ નિર્માણ કંપની દ્વારા મહિલા એજન્ટો મારફતે અલગ-અલગ ગામોમાં સૌથી વધુ માત્ર મહિલાઓને ભોળવી લાલચ આપી રોકાણ કરાવી છેતરપીંડી આચરી હોવાનું બહાર આવ્યું છે અને ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં અંદાજે ૯૦થી વધુ મહિલાઓને ફસાવવાના ઈરાદે રોકાણ કરાવી છેતરપીંડી આચરી હતી.

એકલા મેથાણમાંથી જ એક કરોડની છેતરપીંડિ

હાલ માત્ર મેથાણ ગામમાંથી જ ૯૦થી વધુ મહિલાઓને કંપનીમાં રોકાણ કરાવી અંદાજે રૂા.૧ કરોડથી વધુનું છેતરપીંડી કૌભાંડ બહાર આવ્યું છે જ્યારે જિલ્લાના અન્ય ગામોમાં પણ તપાસ કરવામાં આવે તો છેતરપીંડીની રકમ કરોડોને પાર પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

પુરાવા ન બચે તે માટે એજન્ટોએ પહોંચ પણ પાછી મેળવી લીધી

મેથાણ ગામની મહિલાઓ દર મહિને રૂા.૫૦૦ અથવા રૂા.૧૦૦૦ કંપનીમાં જમા કરાવતી હતી જે બદલ તેમને પહોંચ પણ આપવામાં આવતી હતી પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા ન બચે તે માટે એજન્ટો દ્વારા રોકાણકારો પાસેથી ભરેલ રકમની તમામ પહોંચો પણ પોતાની પાસે મેળવી લીધી હતી.

પોલીસે છ મહિના સુધી કાર્યવાહી કરી જ નહીં

મહિલાઓને કંપનીમાં રોકાણ કરાવનાર મહિલા એજન્ટો પાસે વારંવાર કડક ઉઘરાણી કરવામાં આવતા એજન્ટો દ્વારા પ્રસિધ્ધિ નિર્માણ ગૃપના વહિવટકર્તા રમણભાઈ કરશનભાઈ નાઈ અને સીઈઓ તેજલબેન રમણભાઈ નાઈ (બંને રહે.બનાસકાંઠા) તેમજ અન્ય વહિવટ કરનાર મોતીસંગ માનસંગ દરબાર ચેરમેન (રહે.મહેસાણા) સામે ગત તા.૧૯ જુન ૨૦૨૪ના રોજ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે લેખીત અરજી કરી હતી પરંતુ તેની પણ તપાસ ન કરી ગંભીરતા દાખવી નહોતી.



Google NewsGoogle News