ભીમાસર પાસે બનાસકાંઠાનો શ્રમિક પરિવાર ટ્રેન નીચે કચડાયો : માતા અને બે પુત્રોના મોત
રાત્રિના અંધકારમાં પાટા ઓળંગતી વખતે કચ્છ એક્સપ્રેસ નીચે આવી ગયાં
દિયોદરના લવાણા ગામનો શ્રમિક પરિવાર વતનથી પરત ફરી ભીમાસર ગામે કૌટુંબિક મામાને મળવા જતો હતો
રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાનો શ્રમજીવી પરિવાર ટ્રેનના પાટા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાટા ઓળંગી વખતે શ્રમિક પરિવાર ત્યાંથી પસાર થયેલી કચ્છ એક્સપ્રેસ નીચે આવી જતા મૃત્યુને ભેટયા હતા. હતભાગીમાં જનતાબેન વાલ્મિકી(૩૦), મહેશ(૯) અને અઢી માસના પ્રિન્સ નામના બાળકનો સમાવેશ થાય છે. મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામનો પરિવાર અંજારમાં વેલ્સ્પન કંપનીમાં મજુરી કામ કરે છે. હાલમાં તેઓ વતન ગયા હતા અને પાલનપુર- ગાંધીધામવાળી ટ્રેનમાં બેસી પરત ફર્યા હતા. ભીમાસર ગામે કૌટુંબિક મામા રહેતા હોઈ તેમને મળવા જવાનું હોઈ ભીમાસર ઉતર્યા હતા ત્યારે રાત્રીના અંધકારમાં પતિ સાથે પત્ની અને બાળકો એકબીજાના હાથ પકડીને પાટા ક્રોસ કરતા હતા ત્યારે ધસમસતી આવેલી ટ્રેન તળે માતા અને બે માસુમ દિકરાઓ કપાઈ ગયા હતા. તેમના સ્થળ પર જ મોત થયા હતા. આ અંગે વધુ તપાસ ગાંધીધામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.