Get The App

સબ ગોલમાલ હૈ... પાટણમાં શ્રમિકને 1.96 કરોડની ટેક્સ નોટિસ, પરિજનો મૂકાયા ચિંતામાં

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
સબ ગોલમાલ હૈ... પાટણમાં શ્રમિકને 1.96 કરોડની ટેક્સ નોટિસ, પરિજનો મૂકાયા ચિંતામાં 1 - image


GST Tax Notice : રાજ્યમાં વધતા જતા છેતરપિંડી અને સાયબર ક્રાઇમના ગુનાઓ વચ્ચે પાટણમાં વધુ એક યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. યુવક સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે, તેમછતાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ મળતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવકે આ અંગે ગૃહ વિભાગ અને ક્રાઇમ બાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. 

અંધેર ડિજિટલ વહીવટનો નમૂનો : રૂ.100 કરોડનું ટર્નઓવર કરી કોઈએ છેતરી લીધો

મોટી છેતરપિંડીનો ભોગ બનનારા, મજૂરી કામ કરતા સુનિલ સથવારા અને તેના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. પોતાની પાસે પાન કાર્ડ પણ નહીં હોવાનું જણાવતા આ યુવકના નામે ૧૧ પેઢીઓ દેશભરમાં ચાલી રહી છે, વર્ષે લગભગ રૂ.100 કરોડના વ્યવહારો આ પેઢીમાં થયા છે. આટલી તોતિંગ રકમનો ટેક્સ ભરવાનો હોવાથી અને જીએસટી ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવણી બહાર આવતા તેણે રાજ્યના ગૃહ વિભાગ, સાયબર સેલ અને પાટણ જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી પોતાની નિર્દોષતા સાબિત કરવામાં દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

સમી તાલુકાના દુદુઓ ગામના સુનિલ સથવારાને બેંગલુરું, કર્ણાટક રાજ્ય વેરાવિભાગ તરફથી પોલીસને કરેલી રજૂઆત અનુસાર તેને 8 જાન્યુઆરીના રૂ.1,96,91,571 ભરવા માટે નોટિસ મળી હતી. આ અંગે પોતે સંપૂર્ણ અજાણ હોવાથી અને અંગ્રેજીમાં નોટિસ હોવાથી જીએસટી એક્સપર્ટની મદદ લઇ વિગતો મેળવવા પ્રયાસ કર્યો હતો. સુનિલ અમદાવાદમાં સુથારીકામ કરે છે અને તેણે પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ લીંક કરાવેલો હતો નહીં પણ તેના મોટા બાપાના દીકરા મહેશની સમજાવટથી એકવાર આધાર કાર્ડ અપડેટ કર્યું હતું. આ સિવાય પોતાની પાસે પાન કાર્ડ પણ નથી. 

જીએસટી એક્સપર્ટની તપાસ અને નોટિસની વિગતો અનુસાર સુનિલ સથવારાના નામે કોઈએ પાન કાર્ડ પણ બનાવેલું છે. આ પાન કાર્ડ અને આધાર કાર્ડના આધારે કર્ણાટક, તમિલનાડુ, મણીપુર, મહારાષ્ટ્ર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને આંદામાન - નિકોબારમાં અલગ-અલગ 11 પેઢીઓ ઉભી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ બધી પેઢીઓ ફેબ્રિક, ગારમેન્ટ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ કે સ્ક્રેપનો રિટેલ વેપાર કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. 

નોટિસ અનુસાર વર્ષ દરમિયાન રૂ.100 કરોડ જેટલું ટર્નઓવર કરવામાં આવ્યું છે અને તેના ઉપર ટેક્સ અને પેનેલ્ટી પેટે તેની પાસેથી રૂ. 1,96,91,571ની રકમની આકારણી કરવામાં આવી છે. સુનિલને મળેલી નોટિસમાં તેણે વર્ષ 2023-24 માટે જીએસટીઆર 1 અને જીએસટીઆર 3બી નથી ભર્યું એટલે કાયદાની કલમ 73(5) હેઠળ ટેક્સ અને પેનેલ્ટી જમા કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

સબ ગોલમાલ હૈ... પાટણમાં શ્રમિકને 1.96 કરોડની ટેક્સ નોટિસ, પરિજનો મૂકાયા ચિંતામાં 2 - image

Google NewsGoogle News