Get The App

ડુમ્મસ રોડના વાસ્તુ લક્ઝુરીયાની ઘટના: ચશ્મા વેપારીની ઘરઘાટી મહિલા રૂ. 3.05 લાખની મત્તા તફડાવીને રફુચક્કર

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
ડુમ્મસ રોડના વાસ્તુ લક્ઝુરીયાની ઘટના: ચશ્મા વેપારીની ઘરઘાટી મહિલા રૂ. 3.05 લાખની મત્તા તફડાવીને રફુચક્કર 1 - image



- બે મહિના અગાઉ નોકરી પર રાખી હતી: ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ રીકવર કર્યો


સુરત

ડુમ્મસ રોડના વાસ્તુ લક્ઝુરીયા એપાર્ટમેન્ટમાં રહેતા ઘોડદોડ રોડના ચશ્માના દુકાનદારની પરિવારના સભ્યોની ગેરહાજરીનો લાભ લઇ ઘરમાંથી કપડા ભરેલી મોંઘીદાટ બેગ, ઇમીટેશન જ્વેલરી અને એપલ વોચ મળી કુલ રૂ. 3.05 લાખની મત્તા ચોરીને ભાગી ગઇ હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘરઘાટી ચોર મહિલાને ઝડપી પાડી હતી.
ઘોડદોડ રોડ સ્થિત કાકડીયા કોમ્પ્લેક્ષમાં પ્રમુખ ચશ્મા ઘર નામે દુકાન ધરાવતા હરેશ મંજીભાઇ પટેલ (ઉ.વ. 48) ડુમ્મસ રોડના વાસ્તુ લક્ઝુરીયા એપાર્ટમેન્ટમાં રહે છે. હરેશભાઇને ત્યાં હાઉસ મેડ તરીકે નોકરી કરતા નવલ નામના યુવાન હસ્તક ઘરકામ માટે બે મહિના અગાઉ અર્ચનાદેવી વિશમ્ભર શાહુ (ઉ.વ. 21 રહે. મૂળ. શાંતિનગર, બાંદા, યુ.પી) નામની મહિલાને માસિક 10 હજારના પગારે નોકરી પર રાખી હતી. 24 કલાકમાં હાજર રહી કામ કરવાનું હોવાથી ફ્લેટના સર્વન્ટ રૂમમાં અર્ચનાને રહેવા માટે હરેશની પત્ની જલ્પાબેને વ્યવસ્થા કરી હતી.

ડુમ્મસ રોડના વાસ્તુ લક્ઝુરીયાની ઘટના: ચશ્મા વેપારીની ઘરઘાટી મહિલા રૂ. 3.05 લાખની મત્તા તફડાવીને રફુચક્કર 2 - image

દરમિયાનમાં બે દિવસ હરેશની પુત્રી ક્રિપા દુકાને અને પત્ની જલ્પા દવાખાને ગઇ હતી. બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં ક્રિપા પરત આવી ડોરબેલ વગાડયો હતો પરંતુ કોઇએ દરવાજો નહીં ખોલતા તુરંત જ પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલી અંદર નજર કરતા ઘરની તમામ લાઇટ ચાલુ હતી અને બે બેડરૂમમાં જઇ તપાસ કરતા તેમાંથી સુટકેશ સહિત કપડા રૂ. 1.75 લાખ, બ્રાન્ડેડ બેગ અને હેન્ડ બેગ મળી રૂ. 70 હજાર, ઇમીટેશન જ્વેલરી રૂ. 30 હજાર અને એપલ વોચ રૂ. 30 હજાર મળી કુલ રૂ. 3.05 લાખની મત્તા ગાયબ હતી. જેથી તુરંત જ રહેણાંક એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અર્ચના બેગ લઇને જતા નજરે પડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં અર્ચનાને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે.


Google NewsGoogle News