Get The App

સોનાના સિક્કાના નામે 1.40 કરોડની ઠગાઈ કરનાર મહિલા ચાર વર્ષે ઝડપાઈ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
સોનાના સિક્કાના નામે 1.40 કરોડની ઠગાઈ કરનાર મહિલા ચાર વર્ષે ઝડપાઈ 1 - image


મકાનના ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યા છે તેમ જણાવી યુવાન પાસેથી 1.40 કરોડ રૂપિયા રોકડા લઈ ખોટા સોનાના સિક્કા પધરાવીને ફરાર થઈ ગયેલી ઠગ ટોળકી પૈકી છેલ્લા ચાર વર્ષથી ફરાર વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતી એક ભેજાબાદ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. 

આ અંગેની વિગત એવી છે કે વડોદરામાં રહેતો શખ્સ એસેન્ટ ગાડી લઈને મુંબઈ જતો હતો તે વખતે 5 અજાણ્યા શખ્સો ભાડું આપી કારમાં મુંબઈ માટે જવા નીકળેલા હતા. રસ્તામાં વાપી આવતા એક શખ્શે એવું જણાવેલ કે તેની સાઈટ ચાલે છે જ્યાં મજૂરોને ખોદકામ કરતી વખતે પૈસા અને સોનાના સિક્કા મળ્યા છે તેમ કહી યુવાનને સોનાનો એક સિક્કો બતાવ્યો હતો અને આ વાતની જાણ કોઈને નહીં કરવા તેમજ સોનાના સિક્કા જોઈતા હોય તો અમારો સંપર્ક કરવા કહ્યું હતું. બાદમાં ટોળકી સાથે યુવાન સંપર્કમાં હતો આ દરમિયાન 30 સોનાના સિક્કા ટોળકીએ યુવાનને બતાવ્યા હતા જે સાચા જણાયા હતા.

યુવાને પોતાની બચતની રકમ 1.40 કરોડ રૂપિયા લઈને સોનાના સિક્કા લેવા માટે ગયો હતો કડોદરા ચાર રસ્તાથી બારડોલી જવાના રોડ પર જતી વખતે એક અજાણી સ્ત્રી અને બે અજાણ્યા પુરુષો સોનાના સિક્કા હોવાનું કહી થેલો આપ્યો હતો અને પૈસા ભરેલી થેલી લઈ લીધી હતી જોકે યુવાને અજાણ્યા શખ્સોને સિક્કા ખાતરી કરાવવા માટે પોતાની કારમાં બેસાડ્યા હતા દરમ્યાન અજાણ્યા શખ્સોએ ઉલટીના ઉબકા આવે છે તેવી વાત કરી ગાડીમાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે વર્ષ 2020માં સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ત્યારથી વડોદરામાં વારસિયા વિસ્તારના જય અંબે મહોલ્લામાં રહેતી ઠગ મહિલા પ્રેમીબેન જીવનલાલ પરમાર ફરાર હતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ઠગ મહિલા પ્રેમીબેનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપી દીધી હતી.


Google NewsGoogle News