બે અજાણી મહિલાઓને મદદ કરવા જતા મહિલાએ 2.35 લાખના સોનાના દાગીના ગુમાવ્યા
Vadodara Crime : વડોદરાના ખટંબા-આમોદર રોડ પર શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતા સખીબેન બીપીનભાઈ રાઠવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે નવરાત્રી હોવાથી પૂજાનો સામાન લેવા હું મારા ઘરેથી માંડવી રોડ પર બપોરે 12:15 વાગે આવી હતી. માંડવી અને લહેરીપુરાને વચ્ચે અલગ-અલગ દુકાનમાંથી ખરીદી કરી હું 2 વાગે એક લારી પર બક્કલ લેતી હતી. તે દરમિયાન એક મહિલા અને યુવતી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું કે હું જયપુરથી આવી છું, અહીંયા 5-6 મહિનાથી રહું છું મકાન માલિક મને મારઝૂડ કરે છે એને પૈસા આપતા નથી, મારા નાના ભાઈ-બહેન છે મારા મા-બાપ નથી. મારે વતન જયપુર જવું છે મને મદદ કરો મને રેલવે સ્ટેશન કે બસ ડેપોમાં બેસાડવા માટે મદદ કરો તેની સાથેની યુવતીએ કહ્યું હતું કે હું સુરતની છું અને મારા પણ પપ્પા નથી.
તેમને મદદ કરવાનું વિચારી એક રિક્ષામાં બેસાડી હું પણ તેઓની સાથે બસ સ્ટેશન જવા નીકળી હતી. સુરસાગર તળાવની પાળ સામે પહોંચતા તે મહિલાએ રીક્ષા ઉભી રખાવી કહ્યું કે હવે અમે રસ્તો જોયો છે તેમ કહી એક જગ્યાએ મને બેસાડી હતી. થોડીવાર પછી મને બીજી એક રિક્ષામાં બેસાડી રિક્ષાવાળાને કહ્યું કે બહેનને માંડવી ઉતારી દેજો જેથી હું રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષાવાળા મને માંડવી પાસે ઉતારી હતી ત્યારબાદ હું એમજી રોડ પર વાસણની દુકાને ગઈ હતી. ત્યાં પૈસા આપવા માટે મારી બેગ ખોલવા જતા મારી નજર શરીર પર પડી હતી અને અચાનક જ મારા હાથની સોનાની બે વિટીં, બે બંગડીઓ, સોનાની ચેન મારી પાસે ન હતા. બે મહિલાઓએ મારા શરીર પરથી દાગીના ઉતારી લીધા હતા જેને મને જાણ પણ ન થઈ.