ડીસામાં દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે દીકરીનો આબાદ બચાવ
Wall Collapsed In Deesa : બનાસકાંઠાના ડીસામાં ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન આજે ગુરુવારે (24 એપ્રિલ, 2025) ગેરકાયદે દીવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સુપરવાઈઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
ડીસાના ગાયત્રી મંદિર નજીકના શોપિંગ સેન્ટરમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા તેજલબહેન વિરાજી ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યું હતું. તેજબહેનના ભાઈના લગ્ન હોવાથી તે ડીસા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.
જ્યારે ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે, બાંધકામ સ્થળે જેસીબીની ટક્કરથી બાજુની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન મહિલા અને તેમના પરિવાર ચાલીને જઈ રહ્યા હતા. જ્યારે દીવાલ તૂટી પડતાં મહિલા તેની નીચે દટાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બોપલમાં બે રાહદારીને કાર ચાલકે 10 ફૂટ ઢસેડ્યા, નબીરો ફરાર
સમગ્ર ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગેરકાયદે બાંધકામને લઈને પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.