એમ.એસ.યુનિવર્સિટીના ગેટની સામે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત
ભારે ટ્રાફિકવાળા રોડ ઉપર પૂર ઝડપે ધસી આવેલી રિક્ષાએ રોડ ક્રોસ કરતી મહિલાને ઉછાળતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું
વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે જ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસના ગેટ પાસે રવિવારે સાંજે રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને પુરઝડપે આવેલી રિક્ષાએ અડફેટમાં લેતા મહિલાનું મોત થયુ છે. અકસ્માત બાદ રિક્ષા લઇને ડ્રાઇવર કાલાઘોડા તરફ ફરાર થઇ ગયો હતો. ઘટનાને ૨૪ કલાક થયા છતા ટ્રાફિક પોલીસનું આખુ તંત્ર એક રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં નિષ્ફળ રહ્યું છે.
ટ્રાફિક પોલીસ સ્ટેશનની આસપાસ જ ઓટો રિક્ષા ચાલકો બેફામ
અજાણી મહિલાનો મૃતદેહ એસએસજી હોસ્પિટલના કોલ્ડરૃમમા રાખવામાં આવ્યો છે. દરમિયાન પોલીસ દ્વારા મહિલાના સગા સંબંધીઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
દ્વિઅર્થી સંવાદો બોલીને રિક્ષા ચાલકો દ્વારા થતી મહિલાઓની છેડતી, ટ્રાફિક નિયમનું પાલન નહી કરતી રિક્ષાઓ રોજ અકસ્માત સર્જી રહી છે, સ્ટેશન વિસ્તાર રિક્ષા ચાલકોના તાબામાં
વડોદરામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની આસપાસ જ ઓટો રિક્ષા ચાલકોની ખુલ્લેઆમ બેફામ દાદાગીરી ચાલી રહી છે. મહિલાઓ સામે અભદ્ર ઇશારા અને દ્વિ અર્થી અશ્લીલ સંવાદો બોલીને છેડતીની ઘટના તો સામાન્ય છે. એક પણ રિક્ષા ચાલક મિટર પર રિક્ષા ચલાવતો નથી. મુસાફરો સાથે આડેધડ ભાડાની વસુલાત કરે છે. સ્ટેશન વિસ્તારમાં ક્ષમતા કરતા ૧૦ ગણી રિક્ષા જોવા મળે છે. રસ્તાઓ ઉપર આડેધડ રિક્ષા ચલાવીને ઇચ્છા થાય ત્યારે ડાબે કે જમણી બાજુ રિક્ષાનો ટર્ન મારે છે જેના કારણે રોજ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. આ રિક્ષા ચાલકો સામે જો કોઇ અવાજ ઉઠાવે તો આખી ગેંગ તેના ઉપર તૂટી પડે છે. રેલવે સ્ટેશનથી કાલાઘોડા અને બસ ડેપો સુધીનો વિસ્તાર જાણે રિક્ષા ચાલકોના તાબામાં હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ટ્રાફિકના એક પણ નિયમોનું પાલન નહી કરતી રિક્ષાઓ સામે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઇને કોન્સ્ટેબલ કેમ ચુપ છે તે પ્રજા સમજી રહી છે.
વડોદરાના રસ્તાઓ સામાન્ય નાગરિકો માટે નથી, ગુંડાઓ અને દારૃડિયાઓનું સામ્રાજ્ય
વડોદરામાં પોલીસનો જોઇ ડર રહ્યો નથી. કાયદો અને વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરાના રસ્તાઓ ઉપર ડ્રાઇવિંગ કરવુ હવે સામાન્ય નાગરીકો માટે જીવના જોખમ સમાન છે. ટ્રક, ડમ્પર, કોંક્રિટ મિક્સર, ક્રેન, બુલડોઝર, અર્થમુવર જેવા બિલ્ડરોના વાહનો ડ્રાઇવિંગ લાયસન્સ વગરના દારૃડિયા ડ્રાઇવરો ચલાવી રહ્યા છે અને દર બે દિવસે ગંભીર અકસ્માતો સર્જી રહ્યા છે. આ ઉપરાંત રિક્ષા ચાલકો, લક્ઝરી બસના ચાલકો અને દારૃ પીને લક્ઝરી કાર ચલાવતા નબીરાઓ, દારૃડિયા બાઇક ચાલકો સામાન્ય નાગરીક માટે જીવનુ જોખમ બની રહ્યા છે.