વડોદરાના કમાટીબાગ મ્યુઝિયમની મુલાકાત ખૂબ જ મોંઘી થઈ
- મ્યુઝિયમમાં મુલાકાતી પાસેથી રૂ. 10ના બદલે રૂ. 100 ફી લેવાશે
- ફી વધારો તાત્કાલિક પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરામાં કમાટી બાગ ખાતે આવેલા મ્યુઝિયમ જોવાની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ફી રૂપિયા દસ હતી. જે વધારીને સીધી સો રૂપિયા કરી દેવામાં આવતા તેનો ઉગ્ર વિરોધ થયો છે. આ વધારો તાત્કાલિક પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતાએ આ અંગે જણાવ્યું છે કે મ્યુઝીયમ જોવા માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અત્યાર સુધી આ ફી રૂપિયા 10 હતી તે હવે વધારીને સીધી રૂપિયા 100 કરી દેવામાં આવી છે.
વડોદરાના રાજવીએ પોતાના ઘરેણા વેચી અને વિદેશના પ્રવાસ દરમિયાન મોંઘી ઐતિહાસિક વસ્તુઓ લાવીને દેશનું પ્રથમ મ્યુઝિયમ બનાવ્યું હતું. આ રીતે એકત્રિત કરેલા વિશાળ સંગ્રહ અને કલા વસ્તુઓને સંગ્રહાલયના નવા બંધાયેલા વિશાળ મકાનમાં વર્ષ 1894માં પ્રજા માટે ખુલ્લો મુકાયો હતો.
મ્યુઝિયમ દ્વારા તેઓ સ્વતંત્રતા અને ભણતરને પ્રોત્સાહન આપવા માગતા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ સંગ્રહાલયની વાર્ષિક આશરે સાત લાખ મુલાકાતીઓ મુલાકાત લે છે.સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને આ મ્યુઝિયમની અચૂક વિજિટ કરાવે છે. જેનું અભ્યાસ માટે અત્યંત મહત્વ છે, વિદ્યાર્થીઓ અને પ્રજાજનો માટે વધારાયેલો ફી વધારો પાછો ખેચી લેવા માગણી કરીને તેમણે જણાવ્યું હતું કે મ્યુઝિયમના અમૂલ્ય ખજાનાનું ક્યારેય ઓડિટ થયું નથી તેનું ઓડિટ કરી તેમાં ક્યા ક્યા કિંમતી અલભ્ય શ્રેષ્ઠ સંગ્રહ છે તેનો રેકોર્ડ જાહેર કરવા અને ભૂતકાળમાં ઘણીવાર ચોરીઓ થયેલી છે તેની પણ વિગતો જાહેર કરવા માગણી કરી છે.