Get The App

મોરબી જિલ્લા પંચાયતના ગ્રામ સેવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત

Updated: Mar 25th, 2023


Google NewsGoogle News
મોરબી જિલ્લા પંચાયતના ગ્રામ સેવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત 1 - image


3 માસમાં રમત રમતી વખતે હૃદય બેસી જવાથી મોતની 9મી ઘટના : હળવદ તાલુકામાં ફરજ બજાવતો યુવાન ક્રિકેટ ટુર્ના. હોવાથી લજાઈના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતો હતો ત્યારે એટેક આવ્યો

મોરબી,: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ક્રિકેટ રમતા ખેલાડીઓનું મેચ દરમિયાન અથવા તો ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા સામે આવી રહ્યાં છે ત્યારે રાજકોટ અને સુરત બાદ મોરબીમાં પણ આવી ઘટના સામે આવી છે. લજાઇ ખાતે મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા એ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને મોત નીપજયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ૩ માસમાં ક્રિકેટ, ફૂટબોલ રમતી વખતે હાર્ટએટેક આવતા મૃત્યુ થયાની આ નવમી ઘટના છે. 

ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા ૨૬મી માર્ચથી ૩૧મી  સુધી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા મોરબી જિલ્લા પંચાયતની ટીમ દ્વારા ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે પ્રેકટીસ મેચ રમવામાં આવી રહ્યો હતો. જયાં મોરબી જિલ્લા પંચાયતના ક્રિકેટ ટીમના હોનહાર ખેલાડી અને હળવદ તાલુકામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભલજીભાઈ કણઝારીયા (ઉ.વ. 31) પણ પ્રેકટીશ કરી રહ્યાં હતાં. ક્રિકેટ રમતી વખતે તેમને અસ્વસ્થતા અનુભવાતા મિત્રોને તબિયત સારી ન હોવાનું જણાવતા તેમને હોસ્પિટલે ખસેડાય તે પૂર્વે જ હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજયું હતું. ઘટનાના પગલે અરેરાટી વ્યાપી છે.

મૃતક અશોકભાઈ ભલજીભાઈ કણઝારીયા મૂળ હળવદ તાલુકાના મયાપુર ગામના વતની હતા. અને હાલમાં હળવદ ખાતે રહી અને માથક ગામે ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા હતાં. અશોકભાઈ પરિણીત હોવાનું તથા સંતાનમાં એક ૪ વર્ષનો દીકરો હોવાનું તથા પરિવારમાં બે  ભાઈ અને બે બહેનો હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ ઘટનાના પગલે મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી છે.

રમત રમતી વખતે હાર્ટએટેકથી મૃત્યુ થયાની 9મી ઘટના

રાજયમાં ક્રિકેટ ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાની છેલ્લાં ૩ માસમાં આ ૯મી ઘટના છે. અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા ખાતે આવા બનાવો બન્યા બાદ મોરબી ખાતે આવો વધુ એક બનાવ બન્યો છે. કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના  બનાવો વધી ગયા છે.



Google NewsGoogle News