ગુજરાતના ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું
- 22મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી જેથી રાજ્યભરમાં લોકોને પરિવહનમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા હતી
ગાંધીનગર, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યના વિવિધ ક્ષેત્રના સરકારી કર્મચારીઓએ પોતાની માગણીઓ પૂરી કરાવવા માટે આંદોલનનો રસ્તો અપનાવેલો છે. પાટનગર ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં આંદોલનકારીઓનો ભારે મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. જોકે તે પૈકી એસટી (ST) નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે અને રાજ્યમાં ગુજરાત એસટી કર્મચારીઓની જીત થઈ છે.
7 કલાક સુધી ચાલી બેઠક
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ એસટી નિગમના કર્મચારીઓની તમામ મુદ્દાઓની માગણી સ્વીકારીને તે અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં એક આંદોલન સમેટાયું છે.
માસ સીએલ પર ઉતરવાના હતા કર્મચારીઓ
એસટી નિગમના કર્મચારીઓ છેલ્લાં 25 વર્ષથી અલગ-અલગ ભથ્થાઓની માગણી કરી રહ્યા હતા. તેમણે આગામી 22મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. જોકે બેઠકમાં સરકાર અને યુનિયન વચ્ચે સમાધાન થયું છે અને સરકારે 10 મુદ્દે માગણીઓનો સ્વીકાર કર્યો છે જેથી ગુજરાતના એસટી કર્મચારીઓની જીત થઈ છે.
ગઈકાલે અમદવાદ સહિત રાજ્યના તમામ એસટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. તેમણે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ સહીત રાજ્યના દરેક એસટી ડેપો ખાતે રિસેસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
સરકારે એસટી વિભાગની નીચે મુજબની માગણીઓ સ્વીકારી
- ડ્રાઈવર કમ કન્ડક્ટરની પોસ્ટ નાબૂદ
- ઓનલાઇન બુકિંગમાં ડ્રાઈવર-કન્ડક્ટરના નંબર નહીં અપાય
- ડ્રાઈવરના પગાર 16,000થી વધારીને 18,500 કરાયા
- કંડક્ટરના પગાર 16,000થી વધારીને 18,500 કરાયા
- ક્લાર્કના પગાર 16000થી વધારીને 18,500 કરાયા
- હેલ્પરના પગાર 14,800થી વધારીને 15,800 કરાયા
- જુનિયર આસિસ્ટન્ટના પગાર 16,000થી વધારીને 18,500 કરાયા
- વર્ગ-3ના સુપરવાઈઝરના પગાર 21,000થી વધારીને 23,000 કરાયા
- વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ ચુકવાશે
- 2021-22ની હક્ક રજા અંગે પણ નિર્ણય લેવાયો