સુરત: ધુળેટીના બીજા દિવસથી રંગ પાંચમ સુધી કોટ વિસ્તારની અનેક શેરીઓમાં સમુહ ભોજન પરંપરા 100 વર્ષે પણ યથાવત
- સુરતમાં હોળી ધુળેટી સાથે અનોખી પરંપરા આજે પણ જીવંત
- જુના સુરતના મહિધરપુરા રામપુરા ની અનેક શેરીઓમાં પાંચથી દસ દિવસ સામુહિક ભોજન થાય છે: શેરીના લોકોમાં સામુહિક ભાવના કેળવાય અને આર્થિક રીતે નબળા લોકો પણ ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસ
સુરત, તા. 24 માર્ચ 2024, રવિવાર
સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવાતા હોળી અને ધુળેટી રંગોનો તહેવાર છે હાલના આધુનિક સમયમાં લોકો થોડા સમય મિત્રો સાથે ધુળેટી રમી ને છુટા પડી જાય છે. પરંતુ જુના સુરત એવા કોટ વિસ્તારમાં ધુળેટીના બીજા દિવસથી રંગ પાંચમ સુધી સમુહ ભોજન થાય છે. શેરીના લોકોમાં સામુહિક ભાવના કેળવાય અને આર્થિક રીતે નબળા લોકો પણ ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે 100 વર્ષ પહેલા સુરતના કોટ વિસ્તારના વડિલોએ શરુ કરેલી સમુહ ભોજન પરંપરા આજના વડીલોએ યથાવત રાખી છે અને યંગસ્ટર્સ પણ આ પરંપરામાં જોડાઈ રહ્યાં છે.
સુરત શહેરમાં હોળી અને ધૂળેટીનો તહેવાર સામુહિક રીતે ઉજવવામા આવે છે પરંતુ કોટ વિસ્તારના મહિધરપુરા અને રામપુરા સહિત અનેક વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી અનોખી રીતે હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. સામાજિક સમરસતા,એકતા ને સ્નેહ ભાવમાં વૃદ્ધિ સાથે અલૌકિક આનંદ થાય તેવી પરંપરા સુરતના આ કોટ વિસ્તારમાં જોવા મળે છે. દુધારા શેરીમાં રહેતા ધર્મેશ જરીવાલા કહે છે, અમારા વડવાઓએ 100 વર્ષ કરતાં વધુ સમય પહેલાં ધુળેટી ના બીજા દિવસથી રંગ પાંચમ સુધી શેરીના તમામ લોકો ભેગા થઈને રોજ સાંજે સમુહ ભોજન કરે છે. શેરીમાં ગરીબ અને પૈસાદાર તમામ લોકો રહે છે તહેવારની ઉજવણી દરેક વર્ગના લોકો સમાનતાથી કરી શકે તે માટે સમુહ ભોજન કરવામાં આવે છે. પાંચ થી દસ દિવસ સુધી શેરીમાં રહેતા તમામ લોકો એક સાથે બેસીને એક સરખું ભોજન કરે છે તેના કારણે ,સામાજિક સમરસતા આવી રહી છે. વડવાઓએ શરુ કરેલી પરંપરા અમારા દાદા અને ત્યારબાદ અમારા પિતાજીએ યથાવત રાખી હતી હવે અમે પણ આ પરંપરાને અનુસરી રહ્યાં છીએ.
રામપુરામાં રહેતા હેમંત ટોપીવાલા કહે છે, કોટ વિસ્તારમાં આજે પણ સદીઓ જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. જેમાથી એક પરંપરા છે ધુળેટીના તહેવાર બાદ શેરીઓના લોકોની એકતા જળવાઈ રહે તે માટે વડીલોએ 100 વર્ષ કરતા વધુ સમયથી સમુહ ભોજન ની પરંપરા શરુ કરી હતી. આજે પણ કેટલીક શેરીઓમાં ધુળેટીના પાંચ દિવસ અને કેટલીક શેરીઓમાં દસ દિવસ સુધી આ સમૂહ ભોજન કાર્યક્રમ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે આ પરંપરામાં યંગસ્ટર્સને જોડી રહ્યા છે. મોબાઈલ અને ઈન્ટરનેટ માં રચ્યા પચ્યા રહેતા સનાતન ધર્મની સાથે જોડાયેલા રહે તે માટે તેમને પરંપરા સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેના કારણે આ યંગસ્ટર્સ પણ સમુહ ભોજન માં જોડાઈ રહ્યાં છે.
આજથી 100 વર્ષ પહેલા સુરતના કોટ વિસ્તારના વડીલોએ સામાજિક એકરસતા જળવાઈ રહે અને ગરીબ અને પૈસાવાળા બંને પ્રકારના લોકો પૈસા ના ભેદભાવ ભૂલીને એક પંગતમાં બેસી અને એક સરખું ભોજન જમે તેવો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આજે પણ સુરતના કોટ વિસ્તારમાં એકતા જોવા મળે છે. વડીલોએ સામાજિક એકરસતા માટે સમુહ ભોજન પરંપરા આજે પણ જાળવી રાખી છે તેના કારણે આજે પણ ધુળેટી પછીના દસ દિવસ સુધી સમુહ ભોજન થઈ રહ્યાં છે.